અમદાવાદ ચાંદખેડાના યુવાને કલોલ જાસપુર કેનાલમાં મોતની છલાંગ લગાવતા પહેલા વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં તેણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જો કે, ઘણાં દિવસ વીતી ગયા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવતાં આજે પરિવારજનો સહિત 150થી વધારે લોકોએ પથિકાશ્રમથી રેલી સાથે ગાંધીનગરમાં ન્યાયની માંગણી કરી છે.
અમદાવાદના ચાંદખેડામાં રહેતા મૃતકના ભાઈ અતુલે પોલીસ
મથકમાં જાસપુરના પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિ, પલસાણા
ગામની શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદ અનુસાર, વિપુલ સેનમા (મૃતક) અરવિંદ
ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો
હતો. તે દરમિયાન વૃક્ષના રોપા કલોલ તાલુકાના પલસાણા
ગામે આવેલા સ્કૂલમાં આપવાના હોવાથી આ સ્કૂલનું
સરનામું પલસાણા ગામે સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકાને
પૂછ્યું હતું. આ મામલે શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ
પ્રજાપતિએ તેને ઊભો રાખ્યો હતો અને તેને લાફા મારી
દીધો હતો.
ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવવામાં આવી હતી અને તેમાં વિપુલ સેનમા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. યુવક પાસે માફી પત્ર પણ લખાવ્યું હતું . આ ઘટનાનું વિપુલને લાગી આવ્યું હતું અને તેણે આ મામલે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે બધી હકીકત જણાવી હતી. વીડિયો બનાવ્યા બાદ વિપુલે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જે મામલે સાંતેજ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે ફરિયાદ નોંધાયાને ઘણાં દિવસ વીતી ગયા છતાં પોલીસે
આરોપીઓને છાવરી ધરપકડ નહીં કરવાના આક્ષેપો સાથે
પરિવાર જનો સાથે મોટી સંખ્યામાં લોકોએ ગાંધીનગરમાં પથિકાશ્રમથી રેલી કાઢી સૂત્રોચારો કર્યા હતા. અને મૃતકના આત્મહત્યામાં. સંડોવાયેલા પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિ અને શિક્ષિકા હિરલ
પટેલની ધરપકડ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં
આવી હતી. આગામી સમયમાં આરોપીઓની ધરપકડ
કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ઉચ્ચારી હતી.