વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરનાં રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે એવી માહિતી છે કે 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સૂચના બાદ સત્તાવાર કાર્યક્રમ જાહેર થશે. બીજી તરફ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. ત્યારે આ પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. સૂત્રો મુજબ, અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવાનો પીએમ મોદી પ્રારંભ કરાવી શકે છે. જ્યારે, બનાસકાંઠામાં વિવિધ યોજનાનાં ખાતમૂહુર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સૂચના બાદ જ સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેર થશે.
બીજી તરફ આવતીકાલે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે. માહિતી મુજબ, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સભ્ય બનીને આ અભિયાનની શરૂઆત કરાવશે. એટલે કે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાજપનાં સભ્ય તરીકે નોંધણી કરાવીને અભિયાનની શરૂઆત કરશે. ભાજપનાં સદસ્યતા અભિયાનને લઈ આવતીકાલે સવારે 11 વાગ્યે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ પણ યોજાશે.