ગુજરાતમાં એક તરફ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે અને 2 કરોડ પ્રાથમીક સભ્યો બનાવવાનું લક્ષ્યાંક છે જેમાંથી બાદમાં સક્રિય સભ્યો બનાવાશે.આમ જમીન ઉપર મજબૂત ગણાતો ગુજરાત ભાજપ સોશ્યલ મીડિયામાં નબળો પુરવાર થઈ રહ્યાનુ પક્ષનાં મોવડી મંડળનાં ધ્યાનમાં આવતાં જ ગુજરાત ભાજપનાં પદાધિકારીઓ ઉપરાંત તમામ ધારાસભ્યો અને સાંસદો તેમજ પક્ષનાં અગ્રણીઓને સોશ્યલ મીડીયામાં સક્રિય થવા ખાસ સૂચના અપાઈ છે.
સોશ્યલ મિડીયાએ સમાંતર મિડીયા બની રહ્યું છે અને તેમાં અપાતા અહેવાલો વિજળીક ઝડપે ફેલાઈ જાય છે અને વધુને વધુ લોકો સુધી પહોંચે છે તેમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને પૂર્વનુ ટવીટર અને હાલનુ એકસ આ તમામ મીડિયાઓ મહત્વપૂર્ણ બની રહ્યા છે.
આ ઉપરાંત વોટસએપનાં ગ્રુપ પણ મોટા પાયે સંદેશાઓ ફેલાવે છે પરંતુ તેમાં ગુજરાત ભાજપના નેતાઓ જેમાં મંત્રીઓનો પણ સમાવેશ થાય છે તેઓ ઝીરો સાબિત થઈ રહ્યા છે,દિલ્હીથી થયેલા મોનીટરીંગ મુજબ લાખો મતે ચૂંટાતા ભાજપના ધારાસભ્યો અને સાંસદોને સોશ્યલ મીડીયામાં થોડી લાઈક પણ મળતી નથી.
ફકત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો ફોટો હોય તો લાઈક મળે છે પરંતુ રાજયનાં વિકાસ કાર્ય કે ભાજપનાં કોઈ કાર્યક્રમની પોસ્ટમાં ભાગ્યે જ કોઈ મંત્રીઓને લાઈક મળે છે જેને ધ્યાનમાં રાખીને હવે પક્ષના તમામ અગ્રણીઓને સોશ્યલ મિડીયામાં સક્રિય થવા ખાસ સૂચના અપાઈ છે.
એટલુ જ નહિં તેનું મોનેટરીંગ પણ કરાશે અને જેઓ સુચના છતા પણ આળસુ સાબિત થશે અથવા યોગ્ય પ્રતિસાદ કે લાઈક મેળવી શકશે નહિં તેમના પર મોવડી મંડળ ખાસ નજર રાખીને તેમનું સોશ્યલ મિડીયા તેમની કામગીરીનું પ્રતિબિંબ બને તે પણ જોવાશે.