દેશમાં ધારાસભ્યો અને સાંસદોના પક્ષપલ્ટા સતત વધી રહ્યા છે. તે સમયે હિમાચલ સરકારે એક મહત્વના નિર્ણયમાં પક્ષપલ્ટો કરનાર ધારાસભ્યોને પેન્શન નહીં મળે તેવો કાનુન વિધાનસભામાં પસાર કરાવતા રાજ્યમાં રાજકીય રીતે અસ્થીરતા સામે એક વિઘ્ન ઉભું કરવા પ્રયાસ કર્યો છે. હાલમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ બળવો કરીને ભાજપમાં જોડાયા છે.
મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ વિધાનસભામાં ધારાસભ્યોના પેન્શન અને ભથ્થા સુધારા ખરડો રજુ કર્યો હતો અને તેના પર ચર્ચા બાદ મંજુરી મળશે. જો કે રાજ્યપાલ આ ખરડો મંજુર કરે તો જ તે કાનુન બનશે.
રાજ્યમાં કોંગ્રેસના 40 અને ભાજપના 28 ધારાસભ્યો છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા ભાજપે પ્રયાસ કર્યા છે પણ તે નિષ્ફળ નિવડ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે પક્ષપલ્ટાના કારણે વારંવાર રાજકીય અસ્થિરતા સર્જાઇ છે અને ધારાસભ્યો પોતાના લાભ માટે પક્ષપલ્ટો કરે છે.