હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી માટે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે તે સમયે હરિયાણામાં જે રીતે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી અને તેમાં પક્ષમાં જબરો બળવો થયો તેનાથી મોવડી મંડળ ચોંકી ઉઠ્યું છે અને હરિયાણાની બાજી ગુમાવી પડે તેવા સંકેત છે.
હરિયાણામાં ભાજપમાં 20 જેટલા નેતાએ બળવોે કર્યો છે અને તેમાં દેશના સૌથી ધનિક મહિલા તરીકે ઓળખાતા જીંદાલ ગ્રુપના સાવિત્રી જીંદાલએ પોતાને ટીકીટ ન મળતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
જ્યારે રાતોરાત ભાજપમાં આવેલા જનનાયક જનતા પાર્ટી અને અન્ય પક્ષના ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે જેના સામે પાંચ વર્ષથી ભાજપ સાથે રહેલા અનેક ધારાસભ્યોના પત્તા કપાતા તેઓ બગાવતી બનવા લાગ્યા છે. ભાજપમાં ટીકીટની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતનો હાથ ઉપર રહેવા માનવામાં આવે છે અને જે રીતે નેતાઓના સંતાનોને ટીકીટ અપાતા તેનાથી પક્ષમાં પરિવારવાદનો મુદ્ો હવે ભાજપ ઉઠાવી શકશે નહીં તેવી ચર્ચા છે.
ટીકીટ વહેંચણીમાં આરએસએસની ભૂમિકા વધુ હોવાનું માનવામાં આવે છે તો પક્ષના સંગઠનમાં મહત્વપૂર્ણ સ્થાને રહેલા અનેકની બાદબાકી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડોલીને અગાઉ પક્ષે ચૂંટણી ટીકીટ નહીં મળે તે જણાવી દીધું હતું. તો પ્રદેશ અધ્યક્ષ જી.એલ. શર્મા, મહામંત્રી કૃષ્ણ બેદી સહિતના અનેક સિનિયર નેતાઓને ટીકીટ આપવામાં આવી નથી. નવ ધારાસભ્યોની ટીકીટ કાપી છે.
પ્રથમ વખત ધારાસભા ચૂંટણીમાં હરિયાણામાં સંઘની ભૂમિકા વધી હોવાનું પક્ષમાં ચર્ચા છે. પક્ષે ફકત ચૂંટણી જીતી શકે તેવાને જ ટીકીટ આપી છે અને તેમાં પક્ષપલ્ટા કે અન્ય કોઇ ચિંતા કરી નથી. પક્ષે 40 જેટલા ચહેરા બદલ્યા છે ખાસ કરીને કેબીનેટ મીનીસ્ટર રણજીત ચૌટાલાને ટીકીટ ન મળતા તેઓએ પક્ષ છોડી દીધો છે. જો કે 69 વર્ષના આ નેતાને ભાજપે અગાઉ જ ચૂંટણી લડવા નહીં મળે તેવું જણાવ્યું હતું.
હવે આ મુદ્દે સંઘ ઉપર દુષારોપણ થઇ રહ્યો છે કે તેણે ફિલ્ડની ચિંતા કર્યા વગર જેઓ સંઘ સાથે વફાદારી ધરાવે છે તેમને ટીકીટ આપી છે. સાવિત્રી જિંદાલ કે જે ભાજપના એટીએમ તરીકે ગણાતા હતા તેઓએ પણ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપે ઓબીસી પર જોર આપ્યું હતું પણ તેના મોરચાના વડાને ટીકીટ ન મળતા તેઓએ પણ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે.
હરિયાણામાં ઉમેદવારી પસંદગીમાં ભાજપમાં બળવો થતાં કોંગ્રેસ ગેલમાં આવી ગઇ છે અને તેની પ્રથમ યાદી રોકી દીધી છે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે 66 ઉમેદવારોની યાદી તૈયાર રાખી હતી પરંતુ હવે ભાજપમાં બળવાની અસર થયા બાદ તેમાં કેટલાક ફેરફાર થશે તેવા સંકેત છે. જો કે કોંગ્રેસમાં પણ જુથવાદ છે અને યાદી જાહેર થયા બાદ તે બહાર આવે તેવી શક્યતા છે.
પરંતુ ભાજપના કેટલાક મજબૂત નેતાઓ કે જેઓ બળવો કરી રહ્યા છે તેઓને કોંગ્રેસ પોતાની સાથે લે તેવી શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસમાં મહામંત્રી કુમારી સેલજા અને વરિષ્ઠ નેતા રણદિપ સુરજેવાલા ચૂંટણી લડવા આતુર છે.
પરંતુ કોંગ્રેસ મોવડી મંડળ ઇચ્છે છે કે બંને પ્રચારમાં ધ્યાન આપે બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે જોડાણ મુદ્દે પણ નિર્ણય લઇ શકાયો નથી. હવે રાહુલ ગાંધી ત્રણ દિવસના વિદેશ પ્રવાસમાંથી પરત આવે પછી જ આખરી નિર્ણય લેવાશે.