તાજેતરમાં જ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની તબીબ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. જે બાદ દેશમાં મહિલા સુરક્ષાને લઈને સવાલ પણ ઉઠવા લાગ્યા હતા. આમ છતાં મહિલાઓ પર અત્યાચારના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એવામાં છત્તીસગઢના રાયપુરમાં લૉ સ્ટૂડન્ટ પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.જેમાં પીડિત યુવતીને તેના જ મિત્ર એવા પોલીસ કૉન્સ્ટેબલે હવસનો શિકાર બનાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાયપુરની પોલીસ એકેડમીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્રમણી શર્મા અને શહેરના માના વિસ્તારમાં રહેતી પીડિત લૉ સ્ટુડન્ટ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી મિત્રતા હતા. બન્ને વચ્ચે અવારનવાર ફોન પર વાત પણ થતી હતી.
આ દરમિયાન ચંદ્રમણિએ મળવા બોલાવતા લો સ્ટુડન્ટ તેને મળવા પહોંચી હતી. જ્યાં આરોપીએ પીડિતાને કારમાં બેસાડીને કેફી પીણું પીવડાવી દીધુ હતુ. જે બાદ યુવતીએ હોશ ગુમાવતા કોન્સ્ટેબલે તેની ઈજ્જત લૂટી હતી.
પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે આરોપી કૉન્સ્ટેબલ પર પૂરો વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેણે વિશ્વાસઘાત કર્યો. હાલ તો આરોપી કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે, જ્યારે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.