ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યમાં આવતીકાલ 7મી સપ્ટેમ્બરના રોજથી ગણેશોત્સવનો આરંભ થઇ રહ્યો છે. ગણેશોત્સવની ઉજવણી ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ગલી – મહોલ્લામાં કરવામાં આવતી હોય છે. ગણેશજીની મૂર્તિના વિસર્જન કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લાના વિવિધ સ્થળો ખાતે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવું જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સાથે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તા. 7 થી 18 મી સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવ ચાલશે. ગણેશોત્સવની ઉજવણી કરવા માટે કેટલાય ઘરોમાં પૂરી આસ્થા સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં એક સાથે ગણેશોત્સવની સમાપ્તી બાદ લોકો પૂરા ભાવ અને શ્રધ્ધા સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન સાબરમતી નદી કાંઠે કરવા આવતા હોય છે. શ્રધ્ધાના માહોલમાં કયારેક કોઇ વ્યક્તિ પાણીમાં ડુબી જવાની ઘટના બનતી હોય છે. જેથી આ પ્રકારની કોઇપણ ઘટના ન બને અને નદીમાં ગંદકી ન ફેલાય તેવા ઉમદા ભાવ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે સુખડેશ્વર મહાદેવ, પેથાપુર, સેક્ટર- 30 સાબરમતી નદી બ્રિજ પાસે, ઘોળેશ્વર મહાદેવ, સંત સરોવર, ઇન્દ્રોડા, કોટેશ્વર મહાદેવ, ભાટ ટોલ પ્લાઝા ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. તેમજ દહેગામ નગરપાલિકા દ્વારા પાલૈયા તળાવ અને નીલકંઠ મહાદેવ મંદિર, માણસા નગરપાલિકા દ્વારા હેત્વા તળાવ ખાતે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્દિરા બ્રિજ, હાંસોલ ખાતે પણ કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. ગણેશજીના સર્વે ભક્તો અને નગરજનોને નદી, તળાવ, જળાશયો જેવા જાહેર જળસ્ત્રોતમાં ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જિત ન કરવા અને કુત્રિમ કુંડમાં કરવા માટેની અપીલ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર મેહુલ દવે એ કરી છે.