રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્વામીનારાયણ સંત બની બેઠેલા ત્યાગવલ્લભ સ્વામીએ હવે ગરીબોના હકની જમીનને પચાવી પાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. RMC દ્વારા ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી 113 કરોડ રૂપિયા કિંમતની જમીન પર આત્મીય યુનિવર્સિટીનું ગેરકાયદે બાંધકામ કરી દીધું છે.
શહેરના કાલાવડ રોડ અને સત્યસાંઈ રોડ પરના કોર્નર પરની વિશાળ 5 હજાર 211 ચોરસ મીટર વિસ્તારને સ્વામીએ કબજે કરી લીધી છે. આત્મીય યુનિવર્સિટીનું સંચાલન સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત ત્યાગવલ્લભ સ્વામી કરી રહ્યા છે. સરવે નંબર 123ની આ વિશાળ જમીન સર્વોદય કેળવણી ટ્રસ્ટની છે. નાના મૌવામાં ટી.પી. સ્કીમ નં.3માં 93 હજાર 218 ચોરસ મીટર જમીનને ફાઈનલ પ્લોટ નં.99 તરીકે નોંધવામાં આવી હતી. મૂળ જમીનમાંથી ટી.પી. કપાતના ભાગરૂપે મનપાએ 5 હજાર 211 ચોરસ મીટર જગ્યા કાપીને ફાઈનલ પ્લોટ નંબર 102 ફાળવ્યો હતો. જે ગરીબ આવાસ હેતુનો પ્લોટ છે.
આ જમીનના નિયમોમાં છેડછાડ કરીને સ્વામીએ પચાવી પાડી છે. કૌભાંડમાં મહાનગરપાલિકાના શાસકો અને ટી.પી. શાખાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં લાગી રહી છે. ટી.પી. સ્કીમ બન્યાનાં વર્ષો બાદ આત્મીય યુનિવર્સિટીનો પાયો નંખાયો હતો. પ્લાન મંજૂર કરાવાયા હતા. કારણ કે, હાલ 113 કરોડની જમીનને ત્યાગવલ્લભ સ્વામી એકલા હાથે કેવી રીતે કબજે કરે, તે પણ એક સવાલ છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડોદરા પોલીસમાં ટીવી સ્વામી સામે આત્મહત્યાના બનાવને છુપાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સાથે જ તેમની સામે જમીન કૌભાંડ તથા સંસ્થાનાં નાણાંની ઉચાપતની ફરિયાદો પણ નોંધાઇ છે.