નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સાથે ભાજપના નેતાઓમાં પણ આક્રોશ છે. તેઓ ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર અને પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ ટ્વીટરના માધ્યમે તેમનો રોષ ઠાલવ્યો છે. અને સાથે જ ખરાબ રસ્તાની પોલ પણ ખોલી. અઢી મહિના પહેલા બોપલને સમાંતર રિંગ રોડથી YMCA ક્લબ સામેના રોડ સુધી મેગા લાઈન નાખવામાં આવી હતી. રોડની બન્ને તરફ કામગીરી કર્યા બાદ તેના પર માત્ર કપચીનું પુરાણ જ કરવામાં આવ્યું હતું. આ રોડ બેસી જશે એ જાણ હોવા છતાં કોર્પોરેશને કોઈ પેચવર્ક હજુ સુધી ત્યાં કરાવ્યું નથી. રોડ પર માત્ર કપચીનું પુરાણ કરી તેને ફરી અવર-જવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.