ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકામાં આવેલા વાસણા-સોગઠી ગામની મેશ્વો નદીમાં ગઈકાલે 10 આશાસ્પદ યુવાનો ડૂબ્યા હતા.
ગણેશ વિસર્જન સમયે એક વ્યક્તિને નદીમાં ડૂબવાથી બચાવવા માટે અન્ય 10 લોકો નદીમાં કૂદ્યા હતા. જો કે, તમામ 10 યુવાન પણ નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની અલગ-અલગ ટીમો ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 8 યુવાનોનાં મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય 2 ની શોધખોળ હાથ ધરાઈ હતી. આજે તમામ મૃતક યુવાનોની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ગણેશ વિસર્જન દરમિયાન મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબતા 8 નાં મોત નીપજ્યા હતા. નદીમાં ન્હાવા પડેલા એક વ્યક્તિને ડૂબતા બચાવવા અન્ય 10 યુવાનો ડૂબ્યા હતા. 10 પૈકી 8 નાં મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા. આજે તમામ 8 મૃતકોની અંતિમ વિધિ કરાઈ હતી. એક સાથે 8 આશાસ્પદ યુવાનોની અંતિમ યાત્રા નીકળતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું. સોગઠી ગામ સહિત નજીકનાં ગામમાંથી પણ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.
યુવાનોને ગુમાવનારા પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે ગમગીની છવાઈ હતી. માહિતી મુજબ, સ્મશાનયાત્રામાં દહેગામનાં ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ, સાંસદ હસમુખભાઈ પટેલ સહિતનાં રાજકીય આગેવાનો અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતનાં સરકારી તંત્રનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.