જીંદગીભર એસ.ટી. વિભાગમાં નોકરી કર્યા બાદ નિવૃત થયેલા કર્મચારીઓને હાલ નજીવી રકમનું પેન્શન મળી રહ્યું છે. આ રકમમાંથી જીવન નિર્વાહ તો ઠીક પરંતુ દૂધનો ખર્ચ વધુ થઈ જાય છે. આજે જૂનાગઢ એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઇપીએફ.1995ના સભ્ય કામદારોને હાયર પેન્શન ચુકવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
અનેક વાર આંદોલન કરવામાં આવ્યું છતાં કોઈ નિર્ણય થયો ન હતો.સુપ્રિમ કોર્ટના હુકમ બાદ પણ ઇપીએફઓએ કોઈ નિર્ણય ન લેતા હાલ હજારો કામદારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. 2013માં સરકારે કોશીયાર કમિટીની રચના કરી હતી.આ કમિટીએ પણ લઘુતમ પેન્શન 3500 રૂપિયા અને મેડિકલ સહિતના લાભ આપવા ભલામણ કરી હતી પરંતુ તેનો અમલ થયો નથી. અનેક નિવૃત્ત કર્મચારીઓ પેન્શનની ઝંખનામાં મૃત્યુ પામ્યા છે.સુપ્રિમકોર્ટે 4-11-2022ના હાયર પેન્શન આપવાની સૂચના આપી છે જેનો અમલ થયો નથી.ઇપીએફઓ વાંધા વચકા કાઢી સમય પસાર કરી રહી છે. નિવૃત્ત કર્મચારી સંઘે આજે કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઇપીએફ- 1995ના સભ્યોને હાયર પેન્શન ચુકવવામાં આવે એવી માંગ કરી છે.