કોલકાતાના એસએન બેનર્જી રોડ પર એક લાવારીસ પડેલી બેગમાં વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બ્લાસ્ટની ઘટનાના એક પ્રત્યદર્શીએ અનેક દાવા પણ કર્યા છે. ઘટના બાદ નજીકમાં ઉભેલા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તે થોડે દૂર એક ચાની દુકાન પર ઉભો હતો અને તે દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો.
જ્યારે તે ત્યાં દોડ્યો તો તેણે જોયું કે એક માણસ પડેલો હતો અને એક હાથ ઉડી ગયો હતો. જે વ્યક્તિ ઘાયલ થયો હતો તે રસ્તા પર પડેલી બેગમાંથી કંઈક લેવા આવ્યો હતો અને તેમાં બોમ્બ હતો જે ફાટ્યો હતો.`
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કોઈએ જોયું નહીં કે પ્લાસ્ટિકની થેલી ત્યાં કોણે રાખી હતી અને વિસ્ફોટમાં ઘાયલ વ્યક્તિ કચરો ભેગો કરી રહી હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે કોઈ પણ ઘટના સ્થળે તરત દોડીને આવ્યું નહોતું. વિસ્ફોટ પછી નજીકના લોકોએ ઘાયલોના જમણા હાથ પર પટ્ટી બાંધી દીધી, ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘાયલોને તેમની કારમાં હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પર પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવેલા કોઈ વિસ્ફોટકને કારણે આ બ્લાસ્ટ થયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ બેગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો તે વખતે તેમાં બ્લાસ્ટ થયો હતો.
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ વ્યક્તિએ પોતાનું નામ બાપી દાસ (58) હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે તેની પાસે કોઈ કામ નથી અને તે અહીં અને ત્યાં ભટકતો રહે છે. તેણે તાજેતરમાં જ એસએન બેનર્જી રોડની ફૂટપાથ પર રહેવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં પોલીસે હજુ સુધી પીડિતાનું નિવેદન નોંધ્યું નથી કારણ કે તેને આરામની જરૂર છે. કેસની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ બાદ બંગાળ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કોલકાતામાં બ્લાસ્ટની ઘટનાની NIA તપાસ કરવાની માગણી કરી છે.
કોલકાતામાં છેલ્લા અનેક સમયથી ટ્રેની ડૉક્ટરની બળાત્કાર અને હત્યાની ઘટના બાદ જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને કારણે રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમ જ પોલીસ અને સરકાર દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોને આ આંદોલન બંધ કરવા વિનંતી કરી છે.