આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ભાજપના નેતાએ જણાવ્યું છે કે, તેમના મતવિસ્તારમાં કેટલાક સ્થાનિક વ્યવસાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે 10 ટકાથી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરશે.
ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે, ‘મારા મતવિસ્તારમાં, દર વર્ષે અમે પીએમ મોદીના જન્મદિવસ પર સેવામાં કંઈક કામ કરીએ છીએ… વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા 2,500 ઉદ્યોગપતિઓ 10% થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે… 110 ઓટો-રિક્ષાઓ 100% ડિસ્કાઉન્ટ આપશે.
અમે દર વર્ષે તેની અપીલ કરીએ છીએ, પરંતુ અમે કોઈને પણ કોઈપણ પ્રકારની ઓફર માટે દબાણ કરતા નથી. તે તેમનો નિર્ણય છે, અમે તેમને લોકો સાથે જોડીએ છીએ.
આ પહેલમાં હોટલ, રેસ્ટોરન્ટ, ક્લિનિક્સ, શાકભાજી માર્કેટ અને બેકરીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો ભાગ લેશે.
સુરતના દુકાનદારો પણ ડિસ્કાઉન્ટન આપી રહ્યા છે. એક દુકાનદારે કહ્યું, ‘હાલ તહેવારો ચાલી રહ્યા છે, તેથી અમે ખરીદી કરી રહ્યા છીએ. મને ખબર પડી કે 17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ છે, અને અમને અહીં સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેથી, અમે કેટલીક વસ્તુઓ ખરીદી છે.’
આજે પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર ઓડિશાના પ્રવાસે છે. જ્યાં તેઓ ‘સુભદ્રા યોજના’ શરૂ કરશે. ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, ‘ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએમ મોદીએ ઓડિશામાં ‘મોદી ગેરંટી’ આપી હતી, વચન આપ્યું હતું કે જો ભાજપ સરકાર બનાવશે, તો દરેક મહિલાને પાંચ વર્ષમાં 50,000 રૂપિયા મળશે. આ પ્રક્રિયા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. સુભદ્રા યોજના દ્વારા આશરે 1 કરોડ 30 લાખ મહિલાઓને 5,000 રૂપિયાનો પ્રથમ હપ્તો મળવાની તૈયારીમાં છે.’