ગુજરાતમાં ચારેતરફ રોગચાળો અને ભયાનક બીમારીઓ વકરી છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યાં છે. આવામાં મંકીપોક્સનો ખૌફ તો છે, આ વચ્ચે રાજ્યમાં એક નવા રોગની એન્ટ્રી થઈ છે. કચ્છમાં એક ભેદી રોગે 15 લોકોનો જીવ લીધો એ વાતને હજી માંડ 15 દિવસ થયા છે, ત્યાં જુનાગઢમાં ભયાનક કાવાસાકી રોગ જોવા મળ્યો છે. 6 વર્ષની બાળકી આ રોગનો ભોગ બની હતી.જોકે હવે તે ખતરાથી બહાર છે.
લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબીઓ આશ્ચર્યમાં મૂકાયા છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબી સ્ટાફે તેની ગંભીરતાની નોંધ લઈને 16 દિવસ સુધી સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરીને રજા આપી છે. સોરઠના તાલાલાના એક પરિવારની દીકરી આ રોગના ઝપેટમાં આવી હતી. તબીબો દ્વારા 16 દિવસની સારવાર તેને બચાવી લેવાઈ છે.
કાવાસાકી બીમારીના લક્ષણ
- સતત પાંચ દિવસથી વધારે ખૂબ જ તાવ આવે છે
- હોઠ અને આંખો એકદમ લાલ થઈ જાય છે
- શરીર ઉપર સોજાની અસર રહે
- હાથ પગમાં સોજા જોવા મળે, હાથ પગમાં લાલાશની અસર અને ચામડી હાથ પગની ઉતરવા લાગે છે
કાવાસાકી એક ગંભીર પ્રકારની બીમારી છે. જોકે, ભારતમાં તેના બહુ જ ઓછા કેસ જોવા મળે છે. પરંતું આ બીમારી જીવલેણ છે, જેમાં જીવ જવાનો જોખમ રહેલું છે. ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર માટેના ઈન્જેક્શન પણ મોંઘા હોય છે. એક ઈન્જેક્શનની કિંમત 30 થી 35 હજાર રૂપિયા છે.
- સુરતમાં છેલ્લા બે મહિનામાં તાવના 16 હજાર શંકાસ્પદ કેસ નોંધાયા છે
- ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના 155 કેસ નોંધાયા છે
- જ્યારે મલેરિયાના 85થી વધુ કેસ નોંધાયા છે
- સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 20થી વધુ કેસ નોંધાયા છે
- આ મહિનામાં રોગચાળાના કારણે 8 લોકોનાં મોત નીપજ્યા છે
સુરતમાં રોગચાળો વકર્યો
સુરતમાં આરોગ્યની પરિસ્થિતિ એટલી બધી કથળી ગઈ છેકે, વાત હવે મહાનગર પાલિકાના કાબૂની બહાર જતી રહી છે.. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં બિલકૂલ નિષ્ફળ રહી છે.. લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બીમાર પડી રહ્યા છે, દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી અને મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આનંદ માણી રહ્યા છે.. આ આરોપ છે પૂર્વ આરોગ્ય મંત્રીનો.. જેમણે ભાજપ શાસિત મનપાની પોલ ખોલી દીધી. રોગચાળો વકરતાં સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે, વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે.. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. મળતી માહિતી પ્રમાણે, હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે.
વડોદરામાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થયો છે. છેલ્લાં પખવાડિયામાં ડેન્ગ્યૂના 74 પોઝિટિવ કેસ આવ્યા છે. ડેન્ગ્યૂના કેસ વધતા સયાજી હૉસ્પિટલમાં વોર્ડ શરૂ કરાયો છે. 28 બેડનો એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો. ડેન્ગ્યૂની સાથે ઝાડા-ઉલટી, મલેરિયા, તાવના કેસમાં વધારો થયો. સરકારી હૉસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો વધ્યો.