ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 8-9ની વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવામાં આવે છે. ત્યારે આ સાયકલોને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા રાજ્ય સરકારે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ત્યારબાદ ખરીદાયેલી હજારો સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ હવે આ સમયસર વિતરણ ન કરેલી અને કટાયેલી સાયકલો પર કલરકામ કરવાનું તરકટ સામે આવ્યું છે.આ સાયકલની મદદથી વિદ્યાર્થીનીઓ સમયસર અને નિયમિત શાળાએ પહોંચી શકે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સાયકલનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ યોજના હેઠળ 2023ના શાળા મહોત્સવમાં વિતરણ માટે ખરીદાયેલી સાયકલો ભંગાર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હજારો સાયકલો ખેતરોમાં અને ગોડાઉનોમાં ધૂળ-કાટ ખાઈ ગઈ છે. ત્યારે હવે આ ભંગાર થઈ ગયેલી સાયકલો પર બેદરકારી છૂપાવવાનું કલરકામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેને નવી જેવી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.રંગકામનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. આ મામલો ગંભીર બનતા મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવી દેવાની સૂચના અપાઈ છે. કેટલાક જિલ્લાઓમાં તો આ સાયકલો હટાવી લેવા માટેના પરિપત્રો પણ જાહેર કરી દેવાયા છે. ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની શાળાઓ માટેની સાયકલો રાખવામાં આવી છે. આશ્ચર્યનક રીતે આ સાયકલો પર નવેસરથી રંગકામ કરાઈ રહ્યું છે, જે અનેક સવાલો ઉભા થયા છે. આ સાયકલો સમયસર વિતરણ ના કરવા પર કોઈ કાર્યવાહી કેમ ના થઈ? હવે આ સાયકલો પર ફરી રંગકામ કરીને વધુ ખર્ચ કરાઈ રહ્યો છે.
ત્યારબાદ હવે સાયકલોનું વિતરણ અટકાવ્યા બાદ સાયકલનું શું કરાશે? જનતાના કરોડો રૂપિયા પર પાણી ફેરવનાર પર ક્યારે કાર્યવાહી થશે? આ સમગ્ર ઘટનાને કૌભાંડ તરીકે પણ જોવામાં આવી રહી છે. ત્યારે શું તેના માટે જવાબદાર સામે સરકાર કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું…
આ સમગ્ર પ્રકરણમાં સાયકલ ખરીદનાર સરકારી એજન્સી ગ્રીમકો અને સાયકલ ઉત્પાદક કંપની વચ્ચે કોઈ અયોગ્ય સમજૂતી થઈ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.