ગુજરાતમાં 1 વર્ષમાં હાર્ટફેલ થવાના કારણે જીવ ગુમાવ્યાનો આંકડો જાણી દંગ રહેશો. ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે, કોરોના મહામારીમાં કોરોનાથી જેટલા મોત થયાં નથી તેના કરતાં વધારે મોત હાર્ટ ફેલ થવાથી થયા છે.મૃત્યુના કારણમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહિ થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે 93,797 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોના સમયે જે ગભરાટનો માહોલ હતો તે સમયે હૃદયરોગને લગતી બીમારીએ કાળો કેર વર્તાવ્યો હતો. બીજી તરફ ગુજરાતમાં સરકારી ચોપડે કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોનાં મોત જાહેર કરાયા હતા, અલબત્ત, એકલા વર્ષ 2021ના અરસામાં કોરોનાથી મેડિકલી સર્ટિફાઈડ થયેલા મૃતકોની સંખ્યા 41,153 છે જ્યારે 9,909 મૃતકોમાં કોવિડ આઈડેન્ટીફાઈ થયો નહતો. આમ સરકારી ચોપડે જાહેર કરેલા આંકડા અને રિપોર્ટના આંકડામાં મોટો તફાવત છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબત સામે આવી છે.
ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોનાં એમ કુલ 93,797નાં મોત થયા છે, આ આંકડાઓ મેડિકલી સર્ટિફાઈડ થયેલા અને નહિ થયેલા એમ બંને સામેલ છે, શહેરી વિસ્તારમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટફેલ થવાથી મોત થયા છે, 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593નાં મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં માનસિક બીમારીથી પીડિત 73 હજારથી વધુ જ્યારે શહેરી વિસ્તારમાં 39 હજારથી વધુનાં મોત થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે તાવના કારણે 10709 દર્દીએ દમ તોડયો હતો.