ગીર સોમનાથ તા.૦૩, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાનશ્રી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જ્યોતીગ્રામ યોજનાની સિદ્ધી વર્ણવી ઉમેર્યુ કે, નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શુભ શરૂઆત કરી છે. પાણી-વીજળી એ ખેડૂતની તાકાત છે. રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્ય સરકારની સિદ્ધી વર્ણવતા કહ્યુ હતુ કે, છેલ્લા ૩ વર્ષમાં પી.જી.વી.સી.એલ. દ્વારા દર વર્ષે દોઢ-દોઢ લાખ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. અગાઉની સરકારમાં લંગડી વીજળી મળતી હતી ટ્રાન્સફોર્મર બળી જતા હતા. આજે લંગડી વીજળીના દિવસો ભૂતકાળ બની ગયા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ પૂર્વક જણાવ્યુ હતું કે, અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારેય રાહત પેકેજ જાહેર નથી કર્યા. જ્યારે ગયા વર્ષે અમારી સરકારે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના ખેડૂતોને પેકેજના પૈસા સીધા ખાતામાં જમા થયા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી, વીજળી મળે તો દુનીયાની ભૂખ ભાંગવાની તાકાત છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માંગણી સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ પુરી કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે ખેડૂત પોતાની શક્તિ ઉર્જાથી વધુ ઉત્પાદન કરશે અને રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ભૂમાફિયા, જમીન પચાવી પાડનારને સીધા કરવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવ્યા છે. તેમ જણાવી કહ્યુ કે, હવે ખાનગી અને સરકારી જમીન પચાવી પાડનારાઓની ખેર નથી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના વેક્સીન માટે મંજુરી આપી છે. હવે લોકોને જલ્દી વેક્સીન પ્રાપ્ત થશે. કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્ર સાચો પૂરવાર થશે અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રસીકરણ કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે ગેરસમજો ફેલાવી ગુમરાહ કરતા લોકોથી બચવા જણાવી કહયું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારને હૈયે કાયમ ખેડૂતો, ગામડા અને આમ જનતાના હીત રહ્યુ છે અને વર્તમાન સરકારે ખેડૂતો, શોષિતો, પિડીતોના હક્ક, હીતને કાયમ સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે.
ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કિસાન સૂર્યોદય યોજના સહિત ઉર્જા વિભાગે ખેડૂતો માટે લીધેલા સઘન પગલા અંગે કહયું કે, ખેડૂતો માગે અને વીજ કનેકશન મળે તે દિવસો હવે દૂર નથી. ખેડૂતને એક કનેક્શન આપવા રૂ. ૧.૬૦ લાખ ખર્ચ થાય છે. જ્યારે સરકાર ખેડૂતો પાસેથી માત્ર ૧૦ હજાર જેવી નજીવી રકમ વસુલે છે અને પ્રત્યેક કનેક્શનર દીઠ રૂ. ૧.૫૦ લાખ જેટલી સબસીડી આપે છે જે દર વર્ષે વીજ કનેક્શન આપવા ૧૮૦૦ કરોડ સબસીડી થાય છે. ઉપરાંત ખેડુતોને વીજ બીલમાં રાહત આપી ૭૫૦૦ કરોડ જેટલી સબસીડી પણ આપે છે.
રાજ્યની સ્થાપના પ્રસંગે ૪૨ સબસ્ટેશન હતા. કોંગ્રેસ શાસનમાં દર વર્ષ ૧૬ સબસ્ટેશન સ્થાપતા હતા. જ્યારે વર્તમાન સરકારે ર૦૦ર થી ર૦ર૦ સુધીમાં ૧૩૯૧ સબસ્ટેશન કાર્યરત કરી ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પુરો પાડ્યો છે અને દર વર્ષે ૧૨૫ થી ૧૫૦ સબસ્ટેશન નવા સ્થપાય છે. કિસાન સૂર્યોદય યોજના થકી તબક્કાવાર રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ જશે તેમ શ્રી સૌરભભાઇ પટેલે ઉમેર્યું હતુ.
પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ખેડૂતોની દિવસે વીજળી આપવાની માગણી અને લાગણી સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તબક્કાવાર પુરી કરવા જઇ રહ્યા છે. આ ખુબ મોટી સિદ્વી છે. ખેડૂતોને સાત પગલા ખેડૂત કલ્યાણ, પ્રધાનમંત્રી સન્માન નીધી, સહિત અનેકવિધ લાભ આપી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, તેમ શ્રી જવાહરભાઇએ વધુમાં જણાવ્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભે પી.જી.વી.સી.એલ.ના ચીફ ઇજનેર જે.જે.ગાંધીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કિસાન સૂર્યોદય યોજનાના પ્રારંભ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રૈયાબેન જાલંધ્રા, જી.યુ.વી.એન.એલ.ના એમ.ડી. શાહમીના હુશૈન, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા ટીવેટીયા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, ગોવિંદભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, હરીભાઇ સોલંકી, જૂનાગઢ રેન્જ આઇ.જી. મનીન્દરસિંઘ પવાર, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવીધી નાયબ કલેક્ટર જે.એમ.રાવલે કરી હતી.