મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્યવસ્થાપન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી આગામી વર્ષ-૨૦૨૨ સુધીમાં રાજયના તમામ ઘરોમાં નળથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્ધ છે.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં પીવાના પાણીના રૂપિયા ૪૦૦૦ કરોડના કામો હાથ ધરી છેવાડાના વિસ્તારો અને ઘર-ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસની જેમ ઇઝ ઓફ લીવીંગ દ્વારા લોકોના જીવનધોરણમાં બદલાવ આવે તેની પણ સરકારે ચિંતા કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ટાઉન હોલ, આણંદ ખાતે આણંદ જિલ્લાના ઉમરેઠ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા અને ખંભાત તાલુકામાં પીવાના શુદ્ધ પાણી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના
રૂા. ૧૬૭.૯૩ કરોડ સહિત જનસુવિધા અને જનસુખાકારીના કુલ રૂ.૧૭૨.૧૨ કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતને પાણીદાર બનાવી વીજ સરપ્લસ સ્ટેટ સાથે વોટર સરપ્લસ સ્ટેટ બનવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગામી વર્ષ-૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળથી જળ પહોંચાડવાનું સ્વપ્ન છે રાજય સરકારે આ સંકલ્પને વર્ષ-૨૦૨૨ સુધીમાં સાકાર કરવા રાજયમાં દર માસે એક લાખ ઘરોને નળ આપવાના લક્ષ્યાંક સાથે કામ ચાલી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કડાણા, સીપુ, દાંતીવાડા, ધરોઇ, ઉકાઇ અને પાનમ જેવી મોટી નદીઓ આધારિત યોજનાઓથી આપણે ગુજરાતમાં પીવાના પાણીની અછત દૂર કરવા નેવાના પાણી મોભે ચડાવ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ ખેડૂતોને સિંચાઇ માટે રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબકકાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માસના અંત સુધીમાં ૪૦૦૦ ગામોને દિવસે વીજળી મળતી થઇ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કોંગ્રેસના શાસનમાં માત્ર ૨૬ ટકા લોકોને જ નળથી પાણી મળતું હતું. આજે રાજયમાં ૮૨ ટકા લોકોને નળથી જળ મળી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ કોરોના મહામારી વચ્ચે પણ રાજયની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ રહી છે. રાજયમાં ૨૧ હજાર કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત આજે સમગ્ર ભારતનું રોલ મોડલ બનવા સાથે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસના શાસનામાં ગુજરાતનું કુલ બજેટ માત્ર રૂપિયા આઠ હજાર કરોડનું હતું જયારે વર્ષ-૨૦૨૦માં અમારી સરકારનું બજેટ રૂપિયા બે લાખ દસ હજાર કરોડ છે. અગાઉ પાણી પુરવઠા વિભાગમાં માત્ર ૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવતી હતી તેની સામે અમારી સરકારે દરેક વિભાગમાં ઓછામાં ઓછા ૧૪ હજાર કરોડની ફાળવણી કરી છે એટલું જ નહીં માત્ર શિક્ષણ વિભાગનું બજેટ જ ૩૦ હજાર કરોડ છે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં વિકાસ કામો માટે નાણાંનો કોઇ પ્રશ્ન જ નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં સરકારી તિજોરી પર ભ્રષ્ટાચારના બાખોરા હતા તેને પરિણામે વિકાસ રૂંધાયો હતો. અમારી સરકારે પ્રજાના એક-એક પૈસાનો સદઉપયોગ કરી ઇમાનદારી અને પારદર્શી વહીવટ દ્વારા સમગ્ર રાજયમાં વિકાસના કામો હાથ ધર્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલવામાં આવતો પરંતુ લોકો સુધી પહોંચતા ૮૫ પૈસા ઘસાઇ જતા હતા. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલે છે અને પુરેપૂરો રૂપિયો વિકાસ કામોમાં વપરાય છે.
કોંગ્રેસે દેશમાં ૫૦ વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ લોકોને પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડી નહોતી તેમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં આજે દેશના પ્રત્યેક ઘરમાં શૌચાલય, વીજળી, આવાસ, ગેસ જેવી પાયાની પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડવામાં આવી છે.
કોંગ્રેસ આજે ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે. સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થતાં ડેમ પર દરવાજા બેસાડવાની મંજૂરી વર્ષો સુધી લટકાવી જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો પીવાના અને સિંચાઇના પાણીથી વંચિત રહ્યા તેમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનતાં માત્ર ૧૭ દિવસમાંજ ડેમ પર દરવાજા બેસાડવાની મંજૂરી આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયના ૨૫ ટકા વિસ્તારમાં ૭૫ ટકા વરસાદ, જયારે ૭૫ ટકા વિસ્તારમાં ૨૫ ટકા વરસાદ પડે છે, અમારી સરકારે હાથ જોડીને બેસી રહેવાને બદલે પડકારોનો સામનો કરી પીવાના અને સિંચાઇના પાણી માટે સુવ્યવસ્થિત આયોજન કરી આગળ વધી રહ્યાં છીએ.
સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં તળાવો ઊંડા કરવા અને નદીઓને પુન:જીવિત કરી રાજયમાં જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાજયના શહેરો આધુનિક બને તે માટે સરકારે પર્યાવરણ-પાણી અને પ્રકાશની ચિંતા કરી ટકાઉ વિકાસ હાથ ધરી શહેરો સુરક્ષિત અને સલામત બને તેની ભૂમિકા આપી હતી. રાજયના શહેરોમાં મલિન જળને શુધ્ધ કરવા માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જેને કારણે ગટરના ગંદા પાણીને શુધ્ધ કરી ખેડૂતોને સિંચાઇ માટે તેમજ ઔદ્યોગિક ગૃહોને આપવામાં આવે છે.
ગુજરાત દારૂબંધીને વરેલું છે તેનો ઉલ્લેખ કરતાં ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા સાથે, ગૌહત્યા, લેન્ડ ગ્રેબિંગ, ચેઇન સ્નેચર, ખોટા દસ્તાવેજો કરનાર સામે અમારી સરકારે કડક કાયદા અમલી બનાવ્યા હોવાનું મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટની રીન્યુઅલ એનર્જી પાર્ક, માંડવીમાં ડીસેલીનેશન પ્લાન્ટ, ગીરનારમાં રોપ-વે, સૂરતથી ઘોઘા રોપેક્ષ સર્વિસ, સી-પ્લેન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે પ્રવાસનને લગતા વિવિધ પ્રોજકેટ શરૂ કરવામાં આવ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને દંગામુકત બનાવ્યું છે તેમ ફાટક મુકત અને હેન્ડપંપ મુકત બનાવવાની દિશામાં અમારી સરકાર આગળ વધી રહી છે.
કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આણંદ જિલ્લાના ૩૪૭ ગામો પૈકી ૧૦૮ ગામોમાં ૧૧ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં વડાપ્રધાનશ્રીના જલ જીવન મિશન હેઠળ ૧૦૦ ટકા ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવી રહ્યું છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કરતાં નલ સે જલ મિશન હેઠળ આણંદ જિલ્લામાં સો ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિકાસ પ્રક્રિયા નિરંતર શરૂ રહેવાની છે ત્યારે નવા બનતા ઘરોમાં પણ ફરજિયાત નળ કનેકશન આપવાનું છે. ૧૫મા નાણાં પંચની પચાસ ટકા રકમ પીવાના પાણી માટે ખર્ચ કરવાની રહેશે જેથી દરેક નવા બનતાં ઘરને નળથી પાણી પહોંચાડી શકાશે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી ગોવિંદભાઈ પરમાર, મયુરભાઈ રાવલ, પૂર્વ સાંસદ સર્વ શ્રી દિપકભાઇ પટેલ (સાથી), લાલસિંહ વડોદરિયા, દિલીપભાઇ પટેલ, પૂર્વ મંત્રી
શ્રી સી.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઇ પટેલ, પક્ષ અગ્રણી વિપુલભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, કલેકટર શ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજિત રાજીયાન, અધિકારીઓ સહિત નાગરિકો હાજર રહ્યા હતા.