ગાંધીનગરની સગીરાને પ્રેમના પાઠ ભણાવી પ્રેમીએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેનાં કારણે સગીરાને બે મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આ બાબતે ટેન્શનમાં રહેતી સગીરાએ આપઘાત કરી લેતાં પ્રેમી વિરુદ્ધ આઈપીસી કલમ 306,376 અને પોસ્કો એક્ટનો ગુનો ડભોડા પોલીસ મથકે નોંધાયો હતો. જે કેસમાં ગાંધીનગરની પોકસો કોર્ટે આરોપીને તકસીરવાર ઠરાવી 10 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો છે.
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં વર્ષ 2017 માં ઇપીકો કલમ 306,376, પોસ્કો એક્ટ 2012ની કલમ 4,6 મુજબ આરોપી નિરવ ઉર્ફે ગીજ્જુ શૈલેશભાઈ પટેલ (રહે. મુબારકપુર, તા.કલોલ) ગુનો દાખલ થયો હતો. જે મુજબ આરોપીએ 17 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તકનો લાભ ઉઠાવી સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
જેનાં કારણે સગીરાને બે માસનો ગર્ભ રહી ગયો હતો. અને આરોપીએ સગીરાને ત્રણ દિવસ સુધી ટેન્શનમાં રાખી હતી. બાદમાં ભોગ બનનાર સગીરા આપઘાત કરતા પહેલા રડતા રડતા ગીજ્જુ તુ મને માફ કરી દે, દર વખતે તુ મને માફ કરે છે. તુ મારો ગીજ્જુ નહી ? તમારા માટે હું શું કરવા મરુ વિગેરે શબ્દો બોલી તા. 17/6/2017 ના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ ભોગ બનનાર સગીરાને પ્રેમજાળમા ફસાવી શારીરીક સબંધ બાંધી બે માસ જેટલો ગર્ભ રાખી માનસીક ટેન્સનમા રાખી મરવા મજબુર કરવાનો ગુનો દાખલ થયો હતો. જે કેસ ગાંધીનગરના સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ અને 15 હજારનો દંડ કર્યો છે.