ક્ષત્રિય સમાજમાં વિવાદ વધતો જ જાય છે. અમદાવાદ બાદ હવે 22 ડિસેમ્બરે ફરી મોટું સંમેલન યોજવાની તૈયારી કરાઈ રહી છે. આ જાહેરાત પદ્મિનીબા એ કરી છે. પદ્મિનીબાના આક્ષેપો છે કે અમદાવાદના સંમેલનમાં સમાજના ઉદ્ધારની નહોતી કોઈ વાત જ થઈ નહોતી. સંમેલનમાં કરણી સેનાની વિવિધ પાંખો, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનોને આવી શકે છે.
અન્ય રાજ્યમાંથી ક્ષત્રિય આગેવાનો સંમેલનમાં હાજરી આપી તેવા પ્રયાસો હાલમાં કરાઈ રહ્યાં છે. મહત્વનું છે કે, અમદાવાદમાં 20 સપ્ટેમ્બરે ક્ષત્રિયોનું સંમેલન થયું હતું. જેમાં ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીની બા એ જણાવ્યું હતુંકે, ‘રાજવી તો હંમેશા રાજ જ હોય, એમને કોઈ પદ ના હોય, આતો રજવાડાનું એક સ્ટેજ નીચું લઈ આવ્યાં’ . રાજવીને પ્રમુખ બનાવવા પર આપ્યું આ પ્રકારનું નિવેદન.
ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે બાદ પી ટી જાડેજાએ પણ તેમના પર સવાલ ઉઠાવ્યા હતા. આ એક બિન રાજકીય સંમેલન યોજાયું હતું. જેમાં શંકરસિંહ વાધેલા પણ હાજર રહ્યાં હતા. હવે ક્ષત્રિય સમાજમાં બે ભાગલા થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ગોતામાં જે સંમેલન મળ્યું હતું એમાં લોકસભા ચૂંટણી વેળા જે આગેવાનો ભાજપ સામે મેદાને પડ્યા હતા તેમાં રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.
આ કાર્યક્રમમાં માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાને આગળ સ્ટેજમાં સ્થાન ન મળતા સંમેલનની પૂર્ણાહુતિ તેમના બખેડા સાથે થઈ હતી. હવે વાળાએ રાજકોટમાં 22 ડિસેમ્બરે ફરી મોટું સંમેલન ભરવાની જાહેરાત કરતાં ક્ષત્રિયોમાં આ મામલો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના ગોતામાં ભરાયેલા સંમેલનથી ક્ષત્રિય સમાજને એક કરવાના પ્રયાસો થયા હતા. ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં જ પદ્મિનીબા વાળાના બખેડા અને પી. ટી. જાડેજાના વિરોધને લઈને આ સમિતિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
હવે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પણ આગામી 22 ડિસેમ્બરે ક્ષત્રિય સંમેલન યોજવાની જાહેરાત કરી છે. પદ્મિનીબાએ એ સમયે જ કહ્યું હતું કે મને સાઈડ લાઇન કરવામાં આવે છે. સંમેલનના સ્ટેજ પર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયે પદ્મિનીબા વાળા દ્વારા હંગામો મચાવ્યો હતો. કરણી સેના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ અમદાવાદમાં ભરાયેલ ક્ષત્રિય સમાજના સંમેલનને માત્ર રાજકીય સંમેલન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ સંમેલનમાં કોઈ પણ આવ્યું નથી.
સમાજના અનેક આગેવાનોનો આ સંમેલનમાં અપમાન કરવામાં આવ્યા છે, ત્યારે હવે કરણી સેનાની વિવિધ પાંખો તથા ક્ષત્રીય સમાજની વિવિધ પાંખો રાજકીય આગેવાનો સહિતના આગેવાનોને સાથે રાખી 22 ડિસેમ્બરના રોજ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રાખવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે. હવે ફરી રાજકોટમાં સંમેલન મળે તેવી સંભાવના છે. સૌથી મોટી વાત એ છે કે રૂપાલા દ્વારા કરાયેલા અપમાન સમયે રાજકોટમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા. હવે એ જોશ સાથે સંમેલનમાં લોકો હાજર રહેશે એ સૌથી મોટો સવાલ છે. રૂપાલાના વિરોધ વચ્ચે એ દબદબાભેર જીતી ગયા છે એ બાબત પણ ક્ષત્રિય સમાજને ખૂંચી રહી છે. ક્ષત્રિય સમાજને હવે રાજકીય રીતે પ્રાધાન્ય ન મળતું હોવાનો બળાપો છે. રાજ્યમાં ઘટતા જતા મહત્વ વચ્ચે ક્ષત્રિયો પોતાનો દબદબો દેખાડવા મથી રહ્યાં છે પણ અહીં અંદરો અંદરના વિખવાદોને પગલે આગામી સમયમાં ભાગલા પડે તો નવાઈ નહીં તેવો ઘાટ છે.