ગુજરાતમાં આવેલા 18,000થી વધુ ગામડાઓમાં એક ગામ Gujarat ACB ના ચોપડે ત્રણ વર્ષમાં ત્રણ વખત બદનામ થયું છે. ત્રણ વર્ષમાં ત્રણ ACB Trap અને લાખો રૂપિયાની લાંચ લેવાના મામલાઓમાં 8 શખ્સો સંડોવાયેલા છે. જેમાં રાષ્ટ્રપતિના હાથે સન્માન મેળવનારા મહિલા સરપંચ પણ સામેલ છે. આ ઉપરાંત ગામનાના તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના સભ્ય પણ આરોપી બન્યા છે.એસીબીની કાર્યવાહી બાદ ગામ અને આસપાસમાં તોડબાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કચ્છના ભુજ પાસે આવેલા કુકમા ગામે રહેતા પ્રજાજને મકાનની આકારણી કરવા મામલે તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના સભ્યનો સંપર્ક કર્યો હતો. આકારણીનું કામ ઈચ્છાનુસાર કરી આપવા પેટે તલાટી વાઘસિંહ તેજસિંહ વાઘેલા અને ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડે 4 લાખ માગ્યા હતા. એડવાન્સમાં 2 લાખ આપવાનું કહેતા ફરિયાદીએ ACB અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ગત 22 સપ્ટેમ્બરના રોજ છટકું ગોઠવવામાં આવતા વાઘસિંહ વાઘેલા અને ઉત્તમ રાઠોડના કહેવાથી કુકમા બસ સ્ટેશન પાસે દાબેલીની લારી ચલાવતા નિરવ વિજયભાઇ પરમાર 2 લાખ સ્વીકારતા ઝડપાયા હતા. તલાટી વાઘેલા અને નિરવ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઉત્તમ રાઠોડ ફરાર છે.
માઈન્સ એન્ડ મિનરલ કંપનીના બાંધકામ મામલે ભુજ પાસેના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબહેન વણકર 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને 1 લાખ એડવાન્સ મેળવી લીધા હતા. વર્ષ 2021ની તારીખ 12 ઑગસ્ટના રોજ Gujarat ACB ની ટીમે નોંધેલી ફરિયાદમાં મહિલા સરપંચ કંકુબહેન વણકર/મારવાડા, કંકુબહેનના પતિ અમરતભાઇ બેચરભાઇ અને બે સંબંધીઓને આરોપી દર્શાવ્યા હતા. 4 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા મહિલા સરપંચના પતિ અમરતભાઇ વણકર/મારવાડા/મારૂ સહિત ત્રણ જણાને Team ACB એ રંગેહાથ ઝડપ્યા હતા. તબક્કાવાર થયેલી ધરપકડ અને તપાસ બાદ મહિલા સરપંચ સહિત ચારેય આરોપીઓને પાલારા જેલ માં ધકેલી દેવાયા હતા.
રાજકોટના TRP Game Zone અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડના ભ્રષ્ટચારી અધિકારીઓ જેલમાં જતાં ગુજરાત સરકારે અનિલ મારૂને ચીફ ફાયર ઑફિસરનો વધારોનો હવાલો સોંપ્યો. ભુજ ચીફ ફાયર ઑફિસર અનિલ બેચરભાઇ મારૂએ રાજકોટ ફાયર વિભાગનો ચાર્જ મળતા ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો હતો. ફાયર એનઓસી આપવાના એક મામલામાં રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલ મારૂએ 3 લાખની લાંચ માગી હતી. જે પૈકી 1.20 લાખ મેળવી લીધા હતા. ગત તારીખ 12 ઑગસ્ટના રોજ બાકીની રકમ 1.80 લાખ સ્વીકારતી વખતે એસીબીના હાથે અનિલ મારૂ ઉર્ફે અનિલ મારવાડા રંગેહાથ પકડાઈ ગયા હતા. અનિલ મારૂ/મારવાડા મૂળ ભુજ તાલુકાના કુકમા ગામના વતની છે અને કંકુબહેન વણકર/મારવાડાના દિયર છે. અત્રે નોંધનીય છે કે, ભાઈ-ભાભી સામે થયેલા કેસનો મહિનો અને તારીખ તેમજ અનિલ મારૂના કેસની તારીખ-મહિનો એક જ છે.