ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, ભવનાથમાં વરસાદએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, રસ્તાઓ પૂરમાં ફેરવાયા હતા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા.
જણાવી દઈએ કે, જૂનાગઢ શહેરથી લઈને ભવનાથ સુધી ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.
દામોદર કુંડમાં પણ ઉપર વાસમાંથી પાણી આવતા બે કાંઠે થઈ ગયો હતો. જેના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા.
ભારતી આશ્રમ પાસે ઉપરવાસમાં પડેલા વરસાદી પાણી રસ્તા પર આવી જતા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય હતી. જેમાં 20 જેટલા બાઈક પાણીમાં તણાયા હોવાની વાત પણ સામે આવી છે. જણાવી દઈએ કે, ભારે પૂર આવતાની જાણ થતાં વહિવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
ભવનાથમાં પૂરની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર અને કોર્પોરેશન સ્ટાફ પહોંચ્યો હતો. આ સાથે, જુનાગઢ કલેક્ટર અને કમિશ્નરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, વાહન વ્યવહારને પણ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
ભવનાથમાં પૂરની સમસ્યાથી કોઈ જાન-માલને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ફાયરનો સ્ટાફ તેમજ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ માહિતી પ્રમાણે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.