રાજકોટ મહાપાલિકાની અગ્નિકાંડ બાદ ખરેખર માઠી બેઠી હોય તેમ કોઈ કામગીરી વિવાદ વગર આગળ ધપી શક્તી નથી. આગકાંડ બાદ ફાયર NOCની કામગીરી ફરજીયાત કરી દેવાઈ છે, પણ તે ઈશ્યુ કરવા મનપાને કોઈ અધિકારી નહિ મળતા આખરે વર્ગ-3ના કર્મચારી અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો તાજ પહેરાવીને ફાયર NOCની સત્તા પણ આપવામાં આવી છે. જો કે ગઈકાલે અમિત દવેએ કૌટુંબિક કારણોસર ચીફ ફાયર ઓફિસર બનવાની ના પાડી મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવતા ફાયર વિભાગ ફરી વખત ન ધણિયાતુ બની ગયું છે.
મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર આગકાંડ બાદ સસ્પેન્ડ થઈ જેલમાં ગયા છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પણ લાંચકાંડમાં સપડાઈ જેલ હવાલે થતા ક્વિક રિસ્પોન્સ સેન્ટરના ઓફિસર મારૂને ઈન્ચાર્જ બનાવાયા હતા, તે પણ લાંચ લેતા ઝડપાઈને જેલ ભેગા થતા મનપાની ફાયર શાખાની કામગીરી લકવાગ્રસ્ત થઈ હતી.
10 ઓગસ્ટના રોજ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર મારૂની લાંચકેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી ફાયર NOCની કામગીરી બંધ પડી હતી. જે બાદમાં મહાપાલિકા દ્વારા ચીફ ઓફિસરની જગ્યામાં ઈન્ચાર્જ અધિકારી મેળવવા પ્રયાસ કરાયા હતા, જેમાં અમદાવાદ મહાપાલિકાના અધિકારીનો હુકમ પણ થયો હતો. જો કે જેનો હુકમ કરાયો હતો, તે મિથુન મિસ્ત્રીએ રાજકોટ આવવાનો ઈન્કાર કરી દેતા મહાપાલિકા પાસે સ્થાનિક ઈન્ચાર્જ નિયુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
આખારે વર્ગ 1નો ચાર્જ વર્ગ 3ના અધિકારીને સુપ્રત કરવા નિર્ણય લેવાયો હતો. રાજકોટ મહાપાલિકા દ્વારા દોઢેક માસથી અટવાયેલી ફાયર NOCની કામગીરી ફરી પાટે ચડી છે. ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં રહેલા વર્ગ3ના અધિકારી અમિત દવે દ્વારા ફાયર NOC આપવાનું શરૂ કર્યુ હતું. સિનિયર સ્ટેશન ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સુપ્રત કરાયો હતો. NOC માટેની સત્તા પણ આપવામાં આવી હતી.
અમિત દવેએ ચાર્જ સંભાળ્યો અને કામગીરી શરૂ કરી તે સાથે જ તેમના પિતાનું અવસાન થતા ફરી કામગીરી અટકી પડી હતી. હવે તેઓ હાજર થયા હતાં, પરંતુ પોતાના માતાની નાદુરસ્ત તબિયત તેમજ ઘરની જવાબદારી હોવાના કારણે આ પદ સંભાળી શકીશ નહીં તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો છે.