માણેકચોકમાં બુલિયનના ટ્રેડર્સ સાથે બે ગઠિયાઓએ આબાદ છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓ ટ્રેડર્સ પાસેથી રૂપિયા ૧.૬૦ કરોડની કિંમતનું ૨૧૦૦ ગ્રામ સોનુ સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવીને રૂપિયા ૫૦૦ની દરની ૧.૩૦ કરોડની રકમ આપીને બાકીના ૩૦ લાખ રૂપિયા લેવા જવાનું કહીને ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા ૧.૩૦ કરોડની રકમ પેટે ચુકવેલી તમામ રૂપિયા ૫૦૦ના દરની તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યુ હતું.
એટલું જ નહી આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રહલાદનગરમાં આવેલા પુષ્પક હિલ બંગ્લોઝમાં રહેતા મેહુલભાઇ ઠક્કર માણેકચોકમાં સોના-ચાંદીનો વ્યવસાય કરે છે. ગત ૨૩મી સપ્ટેમ્બરના રોજ તેમને સીજી રોડ પર આવેલા લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો કે તેમને ૨૧૦૦ ગ્રામ સોનું ખરીદીને સીધા પાર્ટીને સપ્લાય કરવાનું છે. મેહુલભાઇએ ૨૧૦૦ ગ્રામ સોનાનો સોદો ૧.૬૦ કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો.
બીજા દિવસે પ્રશાંત પટેલે કહ્યું હતું કે, સોનાની ડીલેવરી પાર્ટીને તાત્કાલિક જોઇએ છે. તે આરટીજીએસથી નાણાં આપી શકે તેમ નથી પંરતુ, સિક્યોરીટી પેટે રૂપિયા ૧.૬૦ કરોડ રોકડા આપશે. બીજા દિવસે આરટીજીએસ દ્વારા ૧.૬૦ કરોડ આપીને સિક્યોરીટી પેટે આપેલી રકમ પરત લઇ લેશે. સોનું લેવા માટે પાર્ટી સીજી રોડ પર આનંદ મંગલ કોમ્પલેક્ષ વિભાગ-૧માં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીની ઓફિસ પર આવશે. ત્યાંથી જ ૧.૬૦ કરોડની રોકડ આપશે. જેથી મેહુલભાઇએ તેમના એક કર્મચારીને ૨૧૦૦ ગ્રામ સોના સાથે આંગડિયા પેઢીની ઓફિસ પર મોકલ્યા હતા.જ્યાં ત્રણ લોકો હાજર હતા અને રૂપિયા ૫૦૦ના નોટોના ૨૬ જેટલા બંડલ ટેબલ પર પારદર્શક પ્લાસ્ટીકથી ઢાંક્યા હતા.
ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ નાણાં ગણવાનું મશીન લઇને આવ્યો હતો અને બે વ્યક્તિ સોનું લેવા માટે આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે, આ ૧.૩૦ કરોડની રોકડ છે. તમે ૨૧૦૦ ગ્રામ સોનું આપો એટલે હું બાજુમાંથી ૩૦ લાખ લાખ લાવીને તમને ચુકવી આપું. જેથી બુલિયન ટ્રેડર્સના કર્મચારીએ તેમને ૨૧૦૦ ગ્રામના સોનાના બાર આપી દીધા હતા. તે લઇને એક વ્યક્તિ ૩૦ લાખ લેવાનું કહીને બહાર ગયો હતો અને બીજા વ્યક્તિએ કહ્યું હતું કે તમે નાણાં ગણી લો ત્યાં સુધીમાં હું બાથરૂમ જઇને આવું છે. પરંતુ, જ્યારે પ્લાસ્ટીકની કોથળી હટાવીને જોયું તો રૂપિયા ૫૦૦ની તમામ નોટો બનાવટી હતી.
મશીન સાથે આવેલી વ્યક્તિની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે નાણાં ગણવાના મશીનનો વ્યવસાય કરે છે. જેથી મશીનની ખરીદી કરવાની હોવાનું કહીને તેને બોલાવ્યો હતો. આમ, બંને ગઠિયા ૧.૬૦ કરોડનું સોનું લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન એન દેસાઇએ જણાવ્યું કે આરોપીઓએ છેતરપિંડીથી સોનુ મેળવવા માટે પ્લાન કર્યો હતો. જેમાં તેમણે બનાવટી આંગડિયા ઓફિસ પણ તૈયાર કરી હતી અને બનાવટી નોટો પણ મોટા પ્રમાણમાં મુકી હતી. લક્ષ્મી જ્વેલર્સમાં જ્યારે મેનેજરને બે ગઠિયાઓ મળવા માટે ગયા હતા. તે સમયના સીસીટીવીને ફુટેજને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી ગેંગ અંગે તપાસ કરીને કડી મેળવવામાં આવી રહી છે.