વેરાવળનાં બાર જયોતિર્લીંગ સોમનાથ મંદિરની પાછળ છેલ્લા ઘણા સમયે ધાર્મિક સ્થળો સહીતનુ અનેક ગેરકાયદે બાંધકામ થતા જીલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ ગત મધરાત્રે મહા ડીમોલીશન હાથ ધરી 9 જેટલી ધાર્મિક જગ્યાઓ દુર કરાતા તંગદીલી ફેલાઈ છે.
આઈ.જી.પી. પોલીસ વડાની ઉપસ્થિતિમાં એસઆરપી અને પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી શરૂ થતા વહેલી સવાર સુધીમાં અનેક દબાણો હટાવી ટ્રસ્ટ હસ્તકની જમીન ખુલ્લી કરાવી હતી. આ કામગીરી દરમ્યાન 70 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી.
ગીર સોમનાથ જીલ્લાનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડીમોલીશન જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગત મધરાતે શરૂ થયું હતું. જેમાં પાંચ હિટાચી, 30 જેસીબી 50 ટ્રેકટર 10 ડમ્પર સહીતની મશીનરી સાથે સોમનાથ મંદિર, પાછળ ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદે ખડકાયેલા દબાણોમાં પાકા બાંધકામો અને 9 જેટલાં ધાર્મિક સ્થાન તોડી પડાતા લોકોનો મોટો સમુદાય એકઠો થતાં ડીમોલીશન સ્થળે તંગદીલી સર્જાતા પોલીસે 70 જેટલા લોકોની અટકાયત કરી હતી. ડીમોલીશનનાં પગલે સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરનો માર્ગ અવર-જવર માટે બંધ કરાયો હતો.
ડીમોલીશન વેળાએ આઈજીપી નિલેશ જંજળીયા, એસ.પી. મનોહરસિંહ જાડેજા, ત્રણ એસ.પી. ડીવાયએસપી 50 પીઆઈ, પીએસઆઈ, 1200 જેટલા પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી સવાર સુધીમાં ડીમોલીશન પાર પાડવામાં આવ્યું હતું. સોમનાથ વિસ્તારમાં વર્ષો બાદ આ મોટામાં મોટુ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઈ હતી.
વેરાવળનાં સોમનાથ મંદિર પાછળ ગેરકાયદે ખડકાયેલા દબાણો દુર કરવા વર્ષો બાદ વહીવટી તંત્રએ મેગા ડીમોલીશન હાથ ધરી અનેકવિધ દબાણો દુર કર્યા હતા. જેમાં બંદોબસ્ત જાળવવા એસ.આર.પી અને પોલીસ અધિકારીઓ જવાનોની મદદ લેવાઈ હતી.
સોમનાથ મંદિર પાછળ ગત રાત્રીનાં મેગા ડિમોલીશન દરમ્યાન પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાની એસ.આર.પી. કંપની અને પોલીસ અધિકારીઓ અને 1200 જેટલા પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવી એક ધાર્મિક સ્થળે વિરોધ કરનાર 7 વ્યકિતઓની અટકાયત કરી હતી. તંગદીલી સર્જાતા પોલીસે તેની પર કાબુ મેળવ્યો હતો.