તાજ નગરી આગ્રામાં મહિલા પોલીસ અધિકારીનું એક પ્રશંસનીય કામ સામે આવ્યું છે. મદદનીશ મહિલા પોલીસ કમિશનર (ACP) સુકન્યા શર્મા મહિલાઓની સુરક્ષાની તપાસ કરવા માટે અડધી રાતે વેશપલટો કરીને નગરમાં નીકળ્યાં હતા અને મહિલા સુરક્ષા વિશે જાણ્યું હતું. સુકન્યા શર્મા પહેલા એક ઓટો ભાડે લીધી હતી અને પછી પ્રવાસીનો વેશપલટો કરીને અડધી રાતે તાજ નગરીમાં નીકળ્યાં હતા.
તાજમહેલ નજીકના એક સ્થળે તેમણે શહેરમાં ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે જાણવા 112 નંબર ડાયલ કર્યો અને ખોટે ખોટું કહ્યું કે તેમને એક મદદની જરુર છે અને તેમને બીક લાગી રહી છે અને રસ્તો પણ અજાણ્યો છે તો તેમને મદદ પહોંચાડવામાં આવે.
તેમણે પોલીસને કહ્યું કે તેણીને તેમની મદદની જરૂર છે કારણ કે તે મોડી રાત હતી અને તે નિર્જન રસ્તાને કારણે ડરી ગઈ હતી. હેલ્પલાઇન ઓપરેટરે તેણીને સલામત સ્થળે ઉભા રહેવા કહ્યું અને તેમના ઠેકાણા વિશે માહિતી લીધી હતી, ત્યાર બાદ તેમની પર મહિલા પેટ્રોલિંગ ટીમનો ફોન આવ્યો હતો અને તેમને કહ્યું કે તેઓ જ્યાં છે ત્યાં ઊભા રહે એક ગાડી તેમની મદદ માટે આવી રહી છે.
જોકે થોડા સમય બાદ તેમણે ખુદ કહ્યું કે હવે રહેવા દો આવવાની જરુર નથી. તેમણે એક ટેસ્ટ લીધો છે જેમાં તેઓ પાસ થયાં છે. ત્યાર બાદ તેઓ ડ્યુટી પર પરત ફર્યાં હતા.
મહિલા એસીપીએ ઓટો ડ્રાઈવર પાસેથી પણ હાલચાલ જાણ્યાં હતા અને શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ પૂછ્યાં હતા.