“એ પછી મારા પતિ મારી સાથે સેક્સ કરવા માગતા હતા ત્યારે મેં તેમને ક્યારેય ના પાડી નથી

Spread the love

‘મારા પતિ કહેતા કે મારે હંમેશાં સારો પોશાક પહેરવો જોઈએ અને સુંદર દેખાવું જોઈએ. સારી સાડી પહેરવી જોઈએ, સારાં ઘરેણાં પહેરવાં જોઈએ. એક મોટો ચાંદલો કરવો જોઈએ. હું મોટાં આભૂષણો પહેરતી હતી અને એક દિવસ એ બધું બંધ થઈ ગયું.’

તેઓ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામમાં રહે છે. અતુલને માસિક આવતું બંધ થયા પછી તેમના જીવનમાં શું-શું બદલાયું તેની વાત તેઓ મને કરતાં હતાં.

“પુરુષની બાબતમાં કહેવાય છે કે તે 50 વર્ષની ઉંમરે વયમાન હોય છે. કોઈ પુરુષ 70 વર્ષનો થઈ જાય તો પણ પુરુષ જ રહે છે, પરંતુ કોઈ મહિલાને માસિક આવતું બંધ થઈ જાય ત્યારે તે 40 કે 45 વર્ષની કેમ ન હોય, પરંતુ તેના માટે બધું ખતમ થઈ ગયું હોય એવું લાગે છે. તેનું જીવન, તેનું સ્ત્રીત્વ બધું ખતમ થઈ જાય છે,” આટલું કહીને તેઓ નિસાસો નાખે છે.

અતુલ હાલ મેરઠમાં ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય તથા આર્થિક સશક્તીકરણ માટે કામ કરે છે.

મેનોપૉઝ એટલે કે રજોનિવૃત્તિ સ્ત્રીઓના જીવનમાં એક એવો સમયગાળો હોય છે, જ્યારે તેમના શરીરમાં અસંખ્ય ફેરફારો થાય છે, પણ મનમાં ઘણી લાગણીઓ દટાયેલી હોય છે. શરમ, ડર અને અસલામતીના દ્વંદ્વમાં ફસાયેલી આવી સ્ત્રીઓ તેમનું બાકીનું જીવન કેવી રીતે જીવે છે?અતુલે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

“મને લાગ્યું કે મારા પતિને હવે મારી જરૂર નથી. મેં પણ વિચાર્યું હતું કે તે બીજી કોઈ સ્ત્રી પાસે જશે તો? તેમના માટે મારી ઉપયોગિતા કદાચ ખતમ થઈ ગઈ છે. મારું સ્ત્રીત્વ સમાપ્ત થઈ ગયું છે. હું હવે સંપૂર્ણ સ્ત્રી નથી. મારું માસિક ચાલ્યું ગયું. કદાચ મારી જાતીય લાગણી પણ ખતમ થઈ ગઈ હશે. તેથી હું સેક્સ કરી શકીશ નહીં.”

કદાચ આ કારણસર જ તેમણે તેમને માસિક આવતું બંધ થઈ ગયું છે તે વાત પતિથી ઘણાં વર્ષો સુધી છુપાવી રાખી હતી.

“એ પછી મારા પતિ મારી સાથે સેક્સ કરવા માગતા હતા ત્યારે મેં તેમને ક્યારેય ના પાડી નથી. એ પહેલાં હું એવું કહેતી કે તમે પણ શું, આપણાં બાળકો મોટાં થઈ ગયાં છે. આ ઉંમરે આવું બધું શોભે? હું વર્ષો સુધી ખોટું દેખાડતી રહી હતી કે મને માસિક આવે છે.”

“હું મહિનામાં ત્રણ દિવસ એમ જ રહેતી હતી. હું પૅડ્સનો ઉપયોગ કરતી હતી. તેને લપેટીને ફેંકી દેતી હતી. માસિક આવતું હતું ત્યારે જેવું વર્તન કરતી હતી, તેવું જ વર્તન કરતી હતી.”

અતુલ બહારથી આવું વર્તન કરતાં હતાં, પરંતુ તેમની ભીતર એક અલગ જ યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમને જીવનની કોઈ બાબતમાં રસ રહ્યો ન હતો. તેઓ પોતાને કચરો સમજવા લાગ્યાં હતાં.

“હું રાત્રે અચાનક જાગી જતી હતી. નાની-નાની વાતે ગુસ્સે થતી હતી. મારાં ઝાંઝરનો અવાજ આવે તો પણ મને બહુ ગુસ્સો આવતો કે શું ચાલી રહ્યું છે. મારી ઉંમર થઈ ગઈ છે અને મારા ઝાંઝર શા માટે રણકે છે. મેં સારી રીતે રહેવાનું, સુંદર દેખાવાનું છોડી દીધું હતું. હું મારા માટે કંઈ જ સારું કરતી ન હતી. મારું જીવન થંભી ગયું હતું.”

થોડાં વર્ષો પછી અતુલના પતિને ખબર પડી હતી કે પત્ની કેવી શારીરિક અને માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. પતિએ અતુલને સમજાવ્યું હતું કે તેઓ હજુ પણ મહત્ત્વપૂર્ણ છે. તેમની જગ્યા કોઈ લઈ શકશે નહીં.એ પછી અતુલ ધીમે ધીમે તેમની પહેલાંની સ્થિતિ પર પાછાં આવ્યાં હતાં.

મેનોપૉઝ એટલે એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી સ્ત્રીના શરીરમાં પ્રજનન હોર્મોન્સમાં થતો કુદરતી ઘટાડો. સાદા શબ્દોમાં કહીએ તો માસિકસ્રાવની સમાપ્તિ.

નિષ્ણાતો માને છે કે સ્ત્રીઓએ તેમના મેનોપૉઝને એક નવા જીવનની શરૂઆત ગણવો જોઈએ.

ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. રેણુકા મલિક દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં મેનોપૉઝ ક્લિનિકનાં વડાં છે.

તેઓ કહે છે, “ભારતમાં મેનોપૉઝમાં પ્રવેશતી, તેમાંથી પસાર થતી અને રજોનિવૃત્તિ આવી ગઈ હોય તેવી સ્ત્રીઓ મોટી સંખ્યામાં છે. આ મહિલાઓએ પોતાના ભાવિ જીવનનું આયોજન કરવું જોઈએ. સ્ત્રીઓએ ખરેખર ખુશ થવું જોઈએ કે તેમને માસિક આવતું બંધ થઈ ગયું છે. તેઓ મુક્ત થઈ ગઈ છે. તેઓ સ્વતંત્ર થઈ ગઈ છે.”

જોકે, જે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના શોષણ માટે કોઈ પણ કારણ પૂરતું હોય છે ત્યાં મેનોપૉઝ દરેક સ્ત્રી માટે સ્વતંત્રતા લાવે એ જરૂરી નથી.

કદાચ એવું હશે કે એ કારણસર જ તેમણે પોતાના મેનોપૉઝની વાત છુપાવી રાખી હશે. તેઓ મેરઠનાં રહેવાસી છે અને અનેક વર્ષો સુધી ઘરેલુ હિંસાનો શિકાર બન્યાં છે.

“મારા પતિ મારઝૂડ કરતા હતા. બળજબરીથી સેક્સ કરતા હતા. જબરજસ્તી કરતા હતા. તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી મેં મારા મેનોપૉઝની વાત તેમનાથી છુપાવી રાખી હતી. તેમના મારાથી દૂર રહેવાનું એકમાત્ર કારણ માસિકના દિવસો હતા. મને માસિક આવતું બંધ થઈ ગયું છે, હું ગર્ભવતી થઈ શકીશ નહીં એ વાતની ખબર તેમને કે મારી આજુબાજુના લોકોને પડી હોત તો તેમણે મારી સાથે શું કર્યું હોત એ ભગવાન જાણે. મારા પર ચોક્કસપણે બળાત્કાર થયો હોત.”

“પુરુષને એક જ વાતનો ડર હોય છે કે કોઈ સ્ત્રી પર જબરજસ્તી કરી અને તે ગર્ભવતી થઈ જશે તો? ગર્ભવતી થવાનું કારણ જ સમાપ્ત થઈ જાય તો ડર શાનો? મેં મારી આસપાસની મહિલાઓ સાથે આવું થતું જોયું હતું. મારા પતિએ પણ મને છોડી ન હોત.”

સમગ્ર વિશ્વમાં મહિલાઓની મેનોપૉઝની સરેરાશ વય 50 વર્ષની આસપાસ છે, પરંતુ ભારતમાં તે સરેરાશ 46-47 વર્ષની છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, મેનોપૉઝ દરમિયાન મહિલાઓએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કેટલાંક મોટાં શહેરોની સરકારી હૉસ્પિટલોમાં મેનોપૉઝ ક્લિનિક્સ ચાલે છે, પરંતુ મોટા ભાગની મહિલાઓ તેના વિશે જાણતી નથી.

દિલ્હીના રામ મનોહર લોહિયા આવી જ એક હૉસ્પિટલ છે. તેમાં મેનોપૉઝ માટે ખાસ ક્લિનિક છે.

તમામ સામાજિક-આર્થિક વર્ગોની 40થી 60 વર્ષના વયજૂથની મહિલાઓ એ ક્લિનિકમાં આવે છે, પરંતુ કોઈ સીધું આવતું નથી. મુશ્કેલી અસહ્ય થઈ જાય ત્યારે ઘણી વાર કોઈ સલાહ આપે ત્યારે જ ત્યાં આવે છે.

એ પૈકીની અનેક મહિલાઓ દીકરીઓને ત્યાં પણ સંતાનોનો જન્મ થઈ ગયો છે. તેઓ ત્યાંની નર્સને ખચકાતાં પોતાની સમસ્યા જણાવે છે અને પછી ગાયનેકૉલૉજી વિભાગના કર્મચારી તેમને મેનોપૉઝ ક્લિનિકમાં મોકલે છે.

આ વિષયને લઈને મહિલાઓના મનમાં એટલી બધી શરમ હોય છે કે આટલું બધું કર્યા પછી પણ કેટલીક સ્ત્રીઓ આ જ કારણસર હૉસ્પિટલે જવાનો ઇનકાર કરે છે.

અહીં અમારી મુલાકાત સંગીતા સાથે થઈ હતી. સંગીતા આ હૉસ્પિટલમાં કૉન્ટ્રાક્ટ ક્લિનર તરીકે કામ કરે છે, પરંતુ તેઓ પણ આ ક્લિનિક વિશે ખાસ કશું જાણતાં ન હતાં.

દુખાવો અસહ્ય થઈ ગયો ત્યારે ત્યાંના અન્ય તબીબે તેમને આ ક્લિનિકમાં જવાની સલાહ આપી હતી.

સંગીતાને ગંભીર પ્રકારના હોટ ફ્લેશિસ (આખા શરીરમાં પારાવાર ગરમી થાય, શરીર તાપથી સળગતું હોય તેવું લાગે), જોરદાર થાક લાગતો હતો, અનિદ્રાની સમસ્યા હતી, પીઠનો દુખાવો અને પેટમાં દુખાવો થતો હતો.

સંગીતા છેલ્લાં સતત બે વર્ષથી આ સમસ્યાથી પીડાતાં હતાં. સંગીતાના કહેવા મુજબ, તેમની વય 42-43ની આસપાસની છે અને બે વર્ષ પહેલાં તેમના પીરિયડ્સ બંધ થઈ ગયા હતા.

સંગીતાનો દિવસ સવારે ચાર વાગ્યે શરૂ થાય છે અને રાત્રે અગિયાર વાગ્યે પૂર્ણ થાય છે.

તેઓ સિંગલ પેરન્ટ છે. તેમનાં બાળકો નાનાં છે. તેમનું કામ, ઘરની જવાબદારી, રાંધવાનું, પાણી, બાળકોની સંભાળ રાખવાની અને મેનોપૉઝને કારણે સર્જાતી સમસ્યાઓથી તેઓ વાજ આવી ગયાં છે.

તેમણે વ્યથિત સ્વરે કહ્યું, “ક્યારેક મને લાગે છે કે હું મરીશ ત્યારે જ આ પીડાનો અંત આવશે. આવી વેદના સાથે જીવવા કરતાં તો મરી જવું સારું.”

મેનોપૉઝને લીધે સર્જાતી સમસ્યાઓનો ઉપચાર સમયસર ન કરવામાં આવે તો કૅન્સર, હૃદય રોગ અને ઓસ્ટિયોપોરોસિસ જેવા ગંભીર રોગોનું જોખમ સર્જાય છે.

ડૉક્ટર્સ કહે છે કે મેનોપૉઝને કારણે સર્જાતી સમસ્યાઓ ઉપચારથી ઓછી થઈ શકે છે. તેની દવાઓ ઉપલબ્ધ છે.

ડૉ. મલિક કહે છે, “હોટ ફ્લેશિસનું પ્રમાણ સમય જતાં ઘટવા લાગે છે. પોષક આહાર અને ફિઝિયોથૅરપી કે ઘરમાં અમુક ચોક્કસ કસરત કરવાથી સાંધાના દુખાવામાં ઘટાડો થાય છે. અન્ય ગંભીર લક્ષણો માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થૅરપી (એચઆરટી) જેવી સારવાર ઉપલબ્ધ છે.”

એચઆરટી એક એવી સારવાર છે, જેમાં શરીરમાં કુદરતી હોર્મોન્સની ઊણપને દવાઓ વડે સરભર કરવામાં આવે છે.

મેનોપૉઝ દરમિયાન સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ ઘટવા લાગે છે. આ હોર્મોન્સ મહિલાઓની પ્રજનન પ્રણાલી, હાડકાં અને મગજની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ હોય છે.

આ હોર્મોન્સમાં ઘટાડો થવાની સાથે સ્ત્રીઓને આ સિસ્ટમ સંબંધિત સમસ્યાનો અનુભવ થવા લાગે છે.

એચઆરટીમાં ગોળીઓ, બીજી દવાઓ, ત્વચા પર લગાવવાની ક્રીમ અને પેચના માધ્યમથી હોર્મોન્સ આપવામાં આવે છે. તેનાથી શરીરમાં કુદરતી રીતે થયેલા હોર્મોન્સનો ઘટાડો સરભર થાય છે.જોકે, આ સારવાર સસ્તી નથી. સંગીતાની માસિક આવક રૂ. 12,000 છે.

“તેમાંથી મારે બે-ત્રણ હજાર રૂપિયા દવા માટે ખર્ચ કરવા પડે તો મને પરવડે નહીં. હું શું ખાઉં અને બાળકોને શું ખવડાવું?” સંગીતા હતાશ થઈને સવાલ કરે છે.

સરકારે એચઆરટી જેવી સારવાર કિફાયતી દરે ઉપલબ્ધ કરાવવી જોઈએ, તેવો આગ્રહ નિષ્ણાતો કરી રહ્યા છે.

ગામડાંમાં મેનોપૉઝ ક્લિનિક્સ અને સારવારની વ્યવસ્થા હોતી નથી. અતુલ કહે છે, “ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી હૉસ્પિટલો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેનોપૉઝથી પીડાતી મહિલાઓ માટે કોઈ ગોળી, દવા કે ઉપચાર ઉપલબ્ધ નથી. ગામમાં આવતી નર્સને આ બાબતે કહો તો એ સવાલ કરે છે કે હવે આના માટે પણ ગોળીઓ માગશો?”

ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય વધવાની સાથે દર વર્ષે લાખો સ્ત્રીઓ મેનોપૉઝના તબક્કામાં પ્રવેશી રહી છે.

ઇન્ડિયન મેનોપૉઝ સોસાયટીનાં અધ્યક્ષ અંજુ સોની કહે છે, “1947માં ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે હવે વધીને લગભગ 70 વર્ષ થયું છે. તેનો અર્થ એ થયો કે ભારતીય મહિલાઓ તેમના જીવનનો ત્રીજો ભાગ મેનોપૉઝ પછી જીવે છે.”

ડૉ. અંજુ સોની કેટલાક આંકડા પણ આપે છે. 2011ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં 96 લાખ સ્ત્રીઓ મેનોપૉઝની વયમાં હતી.તેઓ કહે છે, “2026 સુધીમાં આ સંખ્યા અનેક ગણી વધીને 40 કરોડ થઈ જશે.”

2030 સુધીમાં વિશ્વમાં મેનોપૉઝમાં પ્રવેશેલી 1.2 અબજ મહિલા હશે. તેમાં દર વર્ષે 4.70 કરોડ મહિલાનો ઉમેરો થતો રહેશે.

કદાચ એટલે જ અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશો હવે મેનોપૉઝ માટે વિશેષ નીતિ અમલી બનાવી રહ્યા છે.

બ્રિટન કહે છે કે કોઈ મહિલા લાંબા સમયથી મેનોપૉઝ દરમિયાન લાંબા સમયથી પીડાતી હોય અને તેનો તેના રોજિંદા જીવન પર વ્યાપક પ્રભાવ પડતો હોય તો એ સ્થિતિને વિકલાંગતા કહી શકાય અને દિવ્યાંગ લોકોને, લાંબા સમયથી બીમાર લોકોને જેવી સુવિધા મળતી હોય છે તેવી જ સુવિધા આ મહિલાઓને મળશે.

આવી મહિલાઓ કામના સ્થળે સરળતાથી કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી સંબંધિત સંસ્થાની રહેશે.

અમેરિકાની સંસદમાં મેનોપૉઝ રિસર્ચ ઍન્ડ ઇક્વિટી ઍક્ટ-2023નો ખરડો રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડામાં જણાવાયું છે કે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટરે મેનોપૉઝ સંબંધે શું સંશોધન થઈ રહ્યું છે, તેના માટે શું કરવામાં આવી રહ્યું છે, શું કરવું જોઈએ, આધેડ વયની મહિલાઓને કેવો ત્રાસ થાય છે તેની સમીક્ષા કરવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં સમાન નીતિઓ લાગુ કરાઈ રહી છે, પરંતુ ભારતમાં હજુ સુધી આવી કોઈ નીતિ અમલી બનાવાઈ નથી.

તત્કાલીન મહિલા તથા બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાનીએ 2023માં લોકસભામાં જણાવ્યું હતું કે ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ માટે હાલ મેનોપૉઝ બાબતે કોઈ નીતિ નથી. મેનોપૉઝ અને મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ વિશે શેરી નાટકો તથા શૈક્ષણિક યોજનાઓ મારફતે જનજાગૃતિ ફેલાવવી જોઈએ.

નિષ્ણાતો માને છે કે આટલું પૂરતું નથી. સરકારે હવે નૉન-રિપ્રોડક્ટિવ એટલે કે માસિક, ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને સંબંધિત મુદ્દાઓ ઉપરાંતના મહિલાઓના આરોગ્ય સંબંધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ડૉ. અંજુ સોની કહે છે, “મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય પર સરકારે આપેલા ધ્યાનને કારણે ભારતમાં માતા તથા બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ એક સારી વાત છે, પરંતુ હવે આપણે માત્ર પ્રજનનક્ષમ જ નહીં, તમામ વયની મહિલાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.”

તેઓ ઉમેરે છે, “સરકાર પાસે છેક નીચલા સ્તરે આરોગ્ય કર્મચારીઓનું નેટવર્ક છે. સગર્ભા સ્ત્રીઓને આર્યન તથા કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. તેમને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આશાવર્કરો અને આરોગ્ય કાર્યકરો તેમની નિયમિત રીતે તપાસ કરે છે. હવે આવી જ યોજના મેનોપૉઝલ મહિલાઓ માટે પણ લાગુ કરવી જોઈએ.”

ડૉ. અંજુ સોની એવું પણ માને છે કે એચઆરટી સારવાર માટે પણ સબસિડી આપવી જોઈએ, જેથી દવાઓ સસ્તામાં ઉપલબ્ધ થાય.

એ થાય ત્યાં સુધી, મેનોપૉઝ બાબતે વાત કરવામાં નિખાલસતાનો અભાવ, શરમ, ડર અને સામાજિક નિયંત્રણો તેમજ સરકારી નીતિઓ ન હોવાને કારણે દેશમાં મહિલાઓ માટે રજોનિવૃત્તિ બાદ સક્ષમ તથા સ્વસ્થ જીવન જીવવું આસાન નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com