પુરઝડપે આવતી કાર બાઇકને ટક્કર મારીને રોડની સાઇડમાં ઉતરી ગઇ, 25 વર્ષીય યુવતીનું મોત

Spread the love

ગાંધીનગરના તપોવન સર્કલથી ઝુંડાલ જતા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હોન્ડા અમેઝ કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં 25 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ચાંદખેડા નિવાસી અશોકકુમાર પંચાલની દીકરી હીનાબેન મોટેરા વિસ્તારના સેતુ કોમ્પ્લેક્સમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તે રોજની જેમ બાઈક પર નોકરીએ જતી હતી.

15 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે તપોવન સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર (GJ-01-WF-6436) નંબરની હોન્ડા અમેઝ કારે હીનાબેનની બાઈક (GJ-01-XK-2533)ને પાછળથી ટક્કર મારી. અકસ્માતમાં હીનાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં કારની ટક્કર એટલી ભયંકર હતી કે કાર રોડની સાઇડમાં નીચે ઉતરી ગઇ હતી અને કારની એરબેગ પણ ખુલી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં હીનાબેનને તાત્કાલિક એસએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પિતા અશોકકુમાર અને તેમના મોટાભાઈ સતિષભાઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરે મૃત્યુની પુષ્ટિ કરી હતી. અકસ્માત સ્થળે કાર અને બાઈક બંનેને નુકસાન થયું હતું. પિતાએ કાર ચાલક સામે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *