
કલોલ તાલુકાના પલસાણા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લતાબેન ઉર્ફે સોનલબેન વિક્રમજી ઠાકોરે તેમના સાસરિયાઓ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષ પહેલા સોનલબેનના લગ્ન વિક્રમજી કાંતિજી ઠાકોર સાથે થયા હતા. તેમને બે બાળકો છે. સાસુ-સસરાના અવસાન બાદ તેમના પતિને દારૂની લત લાગી ગઈ. દારૂ પીને આવી સોનલબેન પાસે અવાર નવાર રૂપિયા માગી પિયરમાંથી તારા બાપે કઈ આપ્યું નથી, તેમ કહી પિયરીયાને અપશબ્દો બોલી અવર નવાર માર મારતા હતા. આ બાબતે જેઠ કિરણજી રજૂઆત કરતા તેઓની સલાહથી ફરિયાદી બાળકો સાથે પિયર નાસમેદ ગયા હતા.
બાળકોની વાર્ષિક પરીક્ષા માટે પુસ્તકો લેવા સોનલબેન સાસરે આવ્યા હતા. પતિએ ચાવી ન આપતા તેમણે તાળું તોડ્યું હતું. આ સમયે તેના પતિ વિક્રમજી, જેઠાણી કૈલાશબેન, કોકીબેન,જેઠ કિરણજી, જશુજી, તેમજ ભત્રીજો તુષાર અને અર્જુન ઠાકોરે એક થઈને સોનલબેનને અપશબ્દો કહ્યા હતા, વાળ પકડીને ઘસડ્યા અને ગળું દબાવ્યું હતું. દહેજની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓના મારથી સોનલબેનને ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી હોસ્પિટલ અને પછી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.