બાંગ્લાદેશે ભારતથી આયાત થતા યાર્ન પર પ્રતિબંધ મૂકયો

Spread the love

 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતા યાર્ન(સૂતર) પર પ્રતિબંધ મૂક્યો છે. બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયના લીધે બેનાપોલ, ભોમારા, સોનામસ્જીદ, બાંગ્લાબંધા અને બુરીમારી જેવા મુખ્ય બંદરો દ્વારા યાર્નની આયાતને હવે મંજૂરી આપવામાં આવશે નહીં. બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશનની ફરિયાદો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાંથી સસ્તા યાર્નની આયાત સ્થાનિક કાપડ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડી રહી છે.
બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશનનો દાવો છે કે ભારતમાંથી જમીન માર્ગે આયાત કરાયેલા યાર્નની કિંમત દરિયાઈ માર્ગે આવતા યાર્ન કરતાં ઘણી ઓછી છે. જેના કારણે સ્થાનિક મિલોને સ્પર્ધાત્મક ગેરલાભનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદાહરણ તરીકે, 30 સિંગલ યાર્નનો ભાવ બાંગ્લાદેશમાં પ્રતિ કિલો ૩.૪૦ ડોલર છે. જ્યારે ભારતમાં તે ૨. ૯૦ ડોલર અને વિયેતનામમાં ૨.૯૬ ડોલર પ્રતિ કિલો છે. BTIMA એ આરોપ લગાવ્યો હતો કે બંદરો પર પર્યાપ્ત માળખાગત સુવિધાઓ અને ચેકિંગ સુવિધાઓના અભાવે આયાતકારો ખોટી જાહેરાતથી કરચોરી કરી રહ્યા છે.
જોકે, બાંગ્લાદેશી કપડા નિકાસકારોએ આ નિર્ણયને આત્મઘાતી ગણાવ્યો છે. બાંગ્લાદેશ નીટવેર મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હાતેમે જણાવ્યું હતું કે આ પગલાથી તૈયાર કપડા નિકાસકારો માટે ખર્ચ વધશે અને નાના-મધ્યમ ઉદ્યોગો માટે બજારમાં સ્પર્ધા કરવાનું વધુ મુશ્કેલ બનશે. બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશના અર્થતંત્રનો આધારસ્તંભ છે. તે ભારતમાંથી થતી લગભગ ૯૫ ટકા યાર્ન આયાત પર આધારિત છે. બાંગ્લાદેશે વર્ષ ૨૦૨૪માં ૧.૨૫ મિલિયન મેટ્રિક ટન યાર્નની આયાત કરી હતી. જે વર્ષ ૨૦૨૩ કરતાં ૩૧.૫ ટકા વધુ છે.
આ નિર્ણય ભારત-બાંગ્લાદેશ વેપાર સંબંધોમાં નવો છે. તાજેતરમાં જ ભારતે બાંગ્લાદેશ દ્વારા ત્રીજા દેશોમાં માલની નિકાસ માટે તેના લેન્ડ કસ્ટમ સ્ટેશનો દ્વારા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા રદ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ સુવિધા ભારતીય એરપોર્ટ અને બંદરો પર ટ્રાફિક વધારી રહી છે. જેના કારણે ભારતના નિકાસ માટે વિલંબ અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *