મહારાષ્ટ્રના કોલ્હાપુરનો માકડવાલા વસાહત વિસ્તાર. એક 35 વર્ષીય વ્યક્તિ તેની 63 વર્ષની માતા પાસે દારૂ પીવા માટે પૈસા માંગી રહ્યો હતો. દરેક માતાની જેમ તે વૃદ્ધ મહિલા પણ તેને દારૂ પીવાની મનાઈ કરતી હતી.આ વાતથી પુત્ર એટલો નારાજ થયો કે તેણે પોતાની જ માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી.
આ પછી પણ જ્યારે તેને સંતોષ ન થયો તો તે તિક્ષ્ણ હથિયાર વડે તેની માતાના ટુકડા કરવા માંડ્યા. તેણે તેના શરીરના આંતરિક અવયવો બહાર કાઢવાનું શરૂ કર્યું, તેણે પહેલા મગજને બહાર કાઢ્યું, પછી છરી વડે હૃદય બહાર કાઢ્યું. આ પછી તેનું લીવર, કીડની અને આંતરડા એક પછી એક બહાર કાઢ્યા. આરોપી ત્યાં જ ન અટક્યો આ પછી તો તેણે જે કર્યું તે જોઈને કોઈની પણ આત્મા કંપી જાય.
તેણે તેની માતાના હૃદય, મગજ, લીવર અને કિડનીને તવા પર ગરમ કર્યા અને મીઠું-મરચા સાથે ખાવાનું શરૂ કર્યું. આ વિકરાળ દ્રશ્ય જોઈને પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લોકોએ તરત જ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે ચહેરો લોહીથી લથબથ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.
આ નરાધમ આરોપીનું નામ સુનીલ કુચકોરવી છે. તેણે તેની માતા યલ્લામા રામા કુચકોરવીની નિર્દયતાથી હત્યા કરી હતી. વર્ષ 2021માં સ્થાનિક કોર્ટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેની સામે તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. લગભગ ત્રણ વર્ષની સુનાવણી બાદ બોમ્બે હાઈકોર્ટે મંગળવારે કોલ્હાપુર કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હાઈકોર્ટે આને ‘રેરેસ્ટ ઓફ રેર કેસ’ ગણાવ્યો. બોમ્બે હાઈકોર્ટે 2017માં માતાની હત્યા કરી તેના શરીરના અંગો ખાવાના દોષિત સુનીલ કુચકોરવીની ફાંસીની સજાને યથાવત રાખી હતી.
કોર્ટે તેને નરભક્ષણનો મામલો ગણાવતા કહ્યું કે ગુનેગારમાં સુધારાનો કોઈ અવકાશ નથી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે જણાવ્યું હતું કે આ મામલો ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ શ્રેણીમાં આવે છે. જો તેને આજીવન કેદની સજા થશે તો તે જેલમાં પણ આવો જ વ્યવહાર રાખશે. પુણેની યરવડા જેલમાં બંધ સુનીલે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં હાજરી આપી હતી.