મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના આર્થિક-સામાજિક-વ્યાપારિક અને ઔદ્યોગિક ગતિવિધિઓના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટને ઉત્તરાયણ પર્વે અનોખી ભેટ રૂપે માધાપર ચોકડી પાસે નવા બસ સ્ટેશનના નિર્માણની મંજૂરી આપી છે.
ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની મળેલી કેબિનેટ બેઠકમાં આ માધાપર બસ મથકના નિર્માણ માટે ટોકન ભાવે ૬૮૦૦ ચો.મીટર જમીન ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના બસ મથકોનો આધુનિક કાયાકલ્પ કરીને બસ મથકોને એરપોર્ટ જેવી અદ્યતન સુવિધા સાથે પી.પી.પી. ધોરણે જનભાગીદારીથી બસ પોર્ટ તરીકે વિકસાવવાની પહેલ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ રાણીપ, ગીતામંદિર, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા જેવા મહત્વપૂર્ણ શહેરો-નગરોમાં આવા ૭ બસ પોર્ટ કાર્યરત છે અને અન્ય ૮ બસ પોર્ટનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
આવા બસ પોર્ટમાં શોપીંગ મોલ, વિશાળ વેઇટીંગ હોલ, પેસેન્જર માટે લગેજ ટ્રોલી, બસના સમયપત્રક માટે એલ.ઇ.ડી, આરામદાયક બેઠક વ્યવસ્થા સહિતની પેસેન્જર એમીનીટીઝ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરમાં તાજેતરમાં જ રૂ. ૪ર.રર કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર બસ પોર્ટનું પ્રજાર્પણ કરેલું છે.
હવે, રાજકોટ ૧પ૦ ફૂટ રિંગરોડ પર માધાપર ચોકડી ખાતે ૬૮૦૦ ચો.મીટર વિસ્તારમાં આ નવું બસ મથક નિર્માણ કરવા રાજ્ય સરકારે ટોકન ભાવે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ નવું બસ સ્ટેશન સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જુનાગઢ અને પોરબંદર વિગેરે જિલ્લાઓના લોકો-મુસાફરો માટે આશીર્વાદ રૂપ બનશે.
એટલું જ નહિ, આ બસ સ્ટેશન કાર્યરત થવાથી રાજકોટ શહેરમાં પ્રવર્તમાન બસ પોર્ટ પરનું ટ્રાફિક સમસ્યાનું ભારણ પણ હળવું થશે અને મુસાફરો ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોચી શકશે.
માધાપર ચોકડી ખાતે નિર્માણ થનારા આ નવા બસ સ્ટેશનમાં ૮ પ્લેટફોર્મ, પેસેન્જર વેઇટીંગ એરિયા, શોપિંગ કોમ્પ્લેક્ષ, સ્ટોલ્સ-કેન્ટીન, પીવાના પાણી, શૌચાલય તેમજ ડ્રાયવર-કંડકટર માટેના રેસ્ટ રૂમની સુવિધાઓ પણ હશે.
રોજની અંદાજે 300 જેટલી બસ ટ્રીપના આ બસમથક પર આવા-ગમનનો લાભ આશરે ૪પ૦૦થી વધુ પેસેન્જર્સને મળી રહેશે.