મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ગરબા કાર્યક્રમ આયોજન સમિતિમાં ફિરોજ ખાન નામનો એક મુસ્લિમ વ્યક્તિ સામેલ હોવાના કારણે વિવાદ એટલો વધ્યો કે કાર્યક્રમ જ રદ કરવો પડ્યો. આયોજન સમિતિમાં ફિરોજ ખાન સામેલ હોવાના કારણે બજરંગ દળે પોલીસ સામે આપત્તિ દર્શાવી હતી, ત્યારબાદ ગુરુવારે 10 દિવસ ચાલનારો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ કરી દેવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા રાજેશ બિંજવેએ જણાવ્યું હતું કે બજરંગ દળે ભંવરકુઆ પોલીસને સોંપેલા આવેદનમાં કહ્યું હતું કે ગણેશ નગરમાં કથિત રૂપે ‘લવ જિહાદ’ને પ્રોત્સાહન આપવા અને અશ્લીલતા ફેલાવવા માટે ગરબાનો કાર્યક્રમ આયોજિત થઇ રહ્યો છે.
રાજેશ બિંજવેએ કહ્યું કે, બજરંગ દળે પોલીસ પાસે માગ કરી હતી કે ફિરોજ ખાન નામના વ્યક્તિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર રોક લગાવવામાં આવે. એડિશનલ નાયબ પોલીસ કમિશનર રાજેશ દંડોતિયાએ આ વાતની પુષ્ટિ કરી કે ગણેશ નગરમાં થવા જઇ રહેલા ગરબા કાર્યક્રમ વિરુદ્ધ બજરંગ દળનું આવેદન મળ્યું છે. તેમણે દાવો કર્યો કે, આયોજકોએ અત્યાર સુધી આ ગરબા કાર્યક્રમની મંજૂરી લેવા માટે અરજી કરી નથી. તેમણે કહ્યું કે, જો કોઇ વ્યક્તિ આ ગરબા કાર્યક્રમની મંજૂરી માટે અરજી કરશે તો કાયદેસરના પગલાં ઉઠાવવામાં આવશે.
રિપોર્ટ્સ મુજબ ફિરોજ આ કાર્યક્રમમાં 8 વર્ષની ઉંમરથી જ સામેલ થતો આવ્યો છે. ગણેશ નગર શિખર ગરબા મંડળ કાર્યક્રમના આયોજકોમાં સામેલ ફિરોજ ખાને દાવો કર્યો કે પોલીસે તેના સંગઠનને 10 દિવસ સુધી ચાલનારા ગરબા કાર્યક્રમની મંજૂરી આપી દીધી હતી. ખાને કહ્યું કે, મંજૂરી મળ્યા બાદ કેટલાક લોકોએ જે જગ્યાએ ગરબા થવાના હતા, તેના માલિક પર અનુચિત દબાવ બનાવ્યો જેના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો. તેમણે ભાવુક થતા કહ્યું કે, અમે છેલ્લા 36 વર્ષોથી ગણેશ નગરમાં કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. હું બાળપણથી ગરબા પંડાલમાં સેવા કરતો આવી રહ્યો છું. આ પહેલી વખત છે જ્યારે હું મુસ્લિમ હોવાના કારણે કેટલાક લોકોને આ ગરબા કાર્યક્રમ માટે સમસ્યા થઇ છે.
ખાને કહ્યું કે, જે લોકોને આ સમસ્યા થઇ છે તેમને હું અપીલ કરું છું કે તેઓ ગરબા કાર્યક્રમને આયોજિત થવા દે, જેથી ઘણા દિવસોથી તૈયારી કરી રહેલી 250-300 મહિલાઓ ગરબા રમી શકે. જો લોકોને મારા નામથી પરેશાની છે તો હું ગરબા પંડાલમાં પગ પણ નહીં મૂકું, તે પોતાના મોહલ્લાનો એકમાત્ર મુસ્લિમ છે અને ઇદ સાથે દીવાળી પણ મનાવે છે. તો આ ગરબા પંડાલનો પાયો રાખનારાઓમાં દીપક હાર્ડિયાએ કહ્યું કે, અમારો ગરબા પંડાલ સજી ગયો હતો. પંડાલમાં સ્થાપના માટે અમે દેવી દુર્ગાની પ્રતિમા પણ લગાવી દીધી હતી, પરંતુ અમે ધાર્મિક કાર્યક્રમમાં કોઇ વિવાદ ઇચ્છતા નથી એટલે અમે ગરબા પંડાલને હટાવાતા કાર્યક્રમ રદ કરી દીધો છે.