માણસમાં ડિસેમ્બર પહેલા જ મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા અમિત શાહ
મોદી દેશને નશામુકત બનાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસ નશીલી દવાઓની આંતરરાષ્ટ્રિય સિંડિકેટ ચલાવે છે,કોંગ્રેસના સમયમાં 768 કરોડના મૂલ્યનું જ્યારે બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા કાળમાં છેલ્લા દસ વર્ષમાં 27,600 કરોડ ડ્રગ્સ પકડાયું : અમિત શાહ
કોંગ્રેસે જમ્મુ – કાશ્મીર, હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતને નશીલી દવાઓની ચુંગાલમાં ફસાવવાનું જ્યારે મોદીએ નશાના કારોબારને નેસ્તનાબૂદ કરી દેશને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાનું કામ કર્યુ : અમિત શાહ
ગાંધીનગર
આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે ગાંધીનગર જિલ્લાના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.તે પૂર્વે શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત પેથાપુર તળાવ, માણસા ખાતે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ તેમજ મલાવ તળાવ અને માણસા ખાતે જ રૂ ૨૪૪ કરોડના ખર્ચે 425 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે માણસા માટે મહત્વનો દિવસ છે, રાજ્યની ભાજપા સરકારે 250 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલ બનાવવાનું કાર્ય કર્યું છે. આવનારા 25 વર્ષ સુધી આ હોસ્પિટલ વિસ્તારની જનતાની સ્વાસ્થ્યની જરૂરિયાતો પૂરી પાડશે સાથે સાથે માણસા નગરપાલિકાના 329 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચંદ્રસર, માલવ અને મલાવ ત્રણેય તળાવને જોડવાનું, ઉપરાંત જુના સ્ટેટના કુલ ૧૬ તળાવોને જોડવાનું તેમજ તેમાં નર્મદાનું પાણી નાખવાનું કામ પૂર્ણ થયું છે. જેને લીધે સમગ્ર વિસ્તારમાં પાણીના સ્તર ઉપર આવશે સાથે સાથે ખેડૂતોને સારું પાણી અને સારું જમીન મળી રહે તો માણસાના મહેનતુ ખેડૂતો મબલખ ઉપજ લઈ શકશે. શાહે કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલ, મલાવ તળાવનું બ્યુટીફીકેશન, માલવ તળાવ સમુદાયિક ભવન, પિલવાઇ મહુડી ડબલ રોડ, સેગ્રીગેશન પ્લાન્ટની સુવિધાઓ તેમજ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ઓર્થોપેડિક, મેડિસિન, ગાયનેક, ફિઝીયોથેરાપી વિભાગ, એક્સરે, સીટી સ્કેન જેવી સુવિધાઓ એક જ સંકુલમાં ઉપલબ્ધ બનશે. માણસા ખાતે ડિસેમ્બર પહેલા જ મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવશે તેઓ વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પના પરિણામે મેડિકલ સાયન્સમાં સ્થાનિક ભાષાઓમાં ભણાવવાની શરૂઆત થઈ છે. મધ્યપ્રદેશમાં 40 થી વધુ મેડિકલ કોલેજોમાં હિન્દીમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. તેઓ કહ્યું કે માણસામાં જે મેડિકલ કોલેજ બનશે તેના બીજા કે ત્રીજા સેમેસ્ટર વખતે ગુજરાતીમાં ભણાવવાની પણ શરૂઆત થશે. ગુજરાતી માધ્યમમાં ભણીને બાળકો ડોક્ટર બને રિસર્ચ કરે તેવી વ્યવસ્થા આદરણીય મોદીજીની સરકારે વિચારી છે અને તેની શરૂઆત માણસાથી થવાની છે.
શાહે નશાના કારોબાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે બે દિવસ પહેલા દિલ્હીમાં 5600 કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને સમગ્ર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી જ નશામુક્ત ભારત અભિયાન આદર્યું છે કોંગ્રેસના સમયમાં 2004 થી 2014 સુધી કુલ 1,52,000 કિલો ડ્રગ્સ પકડાયું હતું. જ્યારે 2014 થી 2024 દરમ્યાન ૫, ૪૩,૬૦૦ કિલો ડ્રગ્સ પકડાયું છે. એક બાજુ કોંગ્રેસના સમયમાં 768 કરોડના મૂલ્યનું ડ્રગ્સ પકડાય છે જ્યારે બીજી બાજુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાળમાં છેલ્લા દસ વર્ષમાં 27,600 કરોડ ડ્રગ્સ પકડાયું છે. નેટવર્કમાં જે મુખ્ય આરોપી પકડાયો છે તે દિલ્હી કોંગ્રેસના આર.ટી.આઇ. સેલનો અધ્યક્ષ છે. જે પાર્ટીના કાર્યકર્તાઓ આવા અવૈધ કારોબારમાં સંડોવાયેલા હોય તે કેવી રીતે દેશને નશામુક્ત રાખી શકે.
શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતને કોંગ્રેસે નશાના કારોબારમાં ડુબાડીને રાખ્યું હતું. જેના પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કડક પગલા લઈ 36 ગણું ડ્રગ્સ પકડી સમગ્ર નેટવર્કને તોડવા અનેક આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસે દેશના યુવા ધનને બરબાદ કરવાનું કાર્ય કર્યું છે. ગુજરાતમાં પણ પાછલા ત્રણ વર્ષમાં 8,500 કરોડનું ડ્રગ્સ પકડીને નશામુક્ત રાજ્ય બનાવવાનું અભિયાન ભાજપા સરકારે આદર્યું છે. મોદીજીએ નશામુક્ત ભારતની જે સંકલ્પના કરી છે તે ફક્ત કેન્દ્ર અને રાજ્ય ભાજપ સરકારો સિદ્ધ કરી શકે છે. આવતા વર્ષે નોરતામાં આવશે ત્યારે મેડિકલ કોલેજનો સંપૂર્ણ પ્લાન લઈને આવશે તેઓએ માણસાનો ચોમુખી વિકાસ જોઈને સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે માણસામાં મેડિકલ કોલેજ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ, ટાઉન હોલ ૧૩ સુંદર તળાવ હોય ત્યારે માણસાને વિકાસ પથ પર આગળ વધતું કોઈ જ રોકી ન શકે. શ્રી સાહેબ આ તબક્કે વિકાસના કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષણ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે આદરણીય મોદીજીની સરકારે 10 વર્ષમાં દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં અનેક પરિવર્તનો કર્યા છે. હોલિસ્ટિક એપ્રોચ્ સાથે લોકોના આરોગ્યને સુદઢ બનાવવાનું અભિયાન આદર્યું છે. માત્ર દવાઓથી નહીં પરંતુ સ્વચ્છતા અભિયાન, શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી, ખેલો ઈન્ડિયાની મદદથી સુદઢ શરીર તેમજ યોગના માધ્યમથી આરોગ્યની કાળજી લેવાઇ તેવા બહુઆયામી આયોજન કર્યા છે.60 કરોડ ગરીબોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 લાખ સુધીની સારવાર ફ્રી ઓફ કોસ્ટ આપી છે. આ ઉપરાંત રાજ્યની ભાજપા સરકારે આ સારવાર 10 લાખ સુધી તથા ૭૦ વર્ષથી ઉપરના વડીલોને 15 લાખ સુધીની આરોગ્યની સારવાર રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ થી મળી રહી છે. આ ઉપરાંત સસ્તી દવા માટે જેનેરીક દવાની દુકાનોની શૃંખલા, પીએચસી સીએચસી સેન્ટરોનો અપગ્રેડેશન તથા આવનારા પાંચ વર્ષોમાં અન્ય 75 હજાર જેટલી મેડિકલની સીટો વધારીને ઉત્કૃષ્ટ ડોક્ટરો પણ મળે અને સમગ્ર સ્વાસ્થ્ય પ્રણાલી મજબૂત બને તે દિશામાં કામગીરી થઈ રહી છે. અંતમાં શ્રી શાહે માણસા ખાતેથી જ ગુજરાતી માધ્યમમાં મેડિકલ શિક્ષણની શરૂઆત થશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અને ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયક, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને સદસ્યતા અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી કે.સી. પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અમિતભાઇ ચૌધરી, ગાંધીનગર જિલ્લા, માણસા તાલુકા અને શહેર ભાજપા હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.