માતાજીની આરાધનાના પર્વ નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. યુવાઓમાં ગરબે ઘુમવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં અભ્યાસ કરતી કોલેજીયન છાત્રા નવરાત્રી કરવા ઘરે આવી હતી. જો કે તાવ આવતો હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા તેણીને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા રોડ વિસ્તારમાં સુભાષનગર મેઈન રોડ પર કેશવ વિદ્યાલય પાસે રહેતી ભૂમિકા અશ્વિનભાઈ વાળા (18) નામની યુવતિએ ગત તા.2ના બપોરે 3 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભૂમિકા ત્રણ બહેનમાં મોટી હતી. જેના પિતા ફેબ્રિકેશનનું કારખાનું ચલાવે છે. ભૂમિકા વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં BBAનો અભ્યાસ કરતી હતી.
હાલ ભૂમિકા નવરાત્રી કરવા માટે રાજકોટ સ્થિત પોતાના ઘરે આવી હતી, પરંતુ તેણીને તાવ આવતો હોવાથી પિતા અશ્વિનભાઈએ ગરબા રમવા જવાની ના પાડી હતી અને તાવ ઉતરી જાય પછી ગરબા રમવા જવાનું કહ્યું હતું. આથી માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.