રસ્તામાં આવતા જતા કોઈ તમને રસ્તો રોકીને કંઈ પૂછે તો વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કારણકે કોઈ તમને ક્યારે પણ ઠગી શકે છે. ત્યારે ‘હું કાલીકા માતાજીનો ભુવાજી છું, તેમ કહીને આધેડ મહિલાની બધી મનોકામના પુરી કરવાના બહાને સોનાની બુટ્ટી લઈને ગઠિયો ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના શહેરમાંથી સામે આવી છે.
બનાવની વિગતો જોઈએ તો, રામોલ વિસ્તારમાં આવેલા ગોકુળનગર સોસાયટીમાં રહેતા મનહરબા જગતસિંહ રાઠોડે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.
મનહરબા જાડેજા તેમના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. થોડા દિવસ પહેલા મનહરબા રાઠોડ લોકીક કામ માટે તેમના ઘરેથી ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. મનહરબા ચાલતા ચાલતા શારદાપાર્ક સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર એક અજાણ્યો યુવક આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે “નીકોલ ખોડીયાર માતાના મંદિરે જવાનો રસ્તો કયો છે.”
મનહરબા રસ્તો બતાવી રહ્યા હતા ત્યારે બાઇકચાલક યુવક તેમને કહ્યું હતું કે “હું કાલીકા માતાનો ભુવાજી છું અને મારે ચંપલની જરૂર છે તો મને તમારા ચંપલ આપો.” યુવકની વાત સાંભળીને મનહરબાએ કહ્યું હતું કે “મારે પગમાં તકલીફ છે જેથી હું તમને ચંપલ નહીં આપું.” મનહરબાનો જવાબ સાંભળીને યુવક તેમને હાથ જોડવા લાગ્યો હતો. યુવકે આજીજી કરતા મનહરબાને કહ્યું હતું કે “તમે મને પૈસા આપો તો હું નવા ચંપલ લઈ લઈશ.”
મનહરબાને દયા આવી જતા યુવકને 350 રૂપિયા આપ્યા હતા. યુવકે 350 રૂપિયા મનહરબાને પરત આપી દીધા હતા અને કહેવા લાગ્યા હતા કે “માતાજી તમારી બધી મનોકામના પૂરી કરી દેશે.” બાદમાં યુવકે મનહરબાને કહ્યું હતું કે “તમારી પાસે કોઈ સોનાના દાગીના હોય તો બે મિનિટ માટે મને આપો હું તેમાં વિધિ કરીને તમને પરત આપું છું. વિધિ કર્યા બાદ માતાજી તમારી બધી મનોકામના પૂરી કરી દેશે.” મનહરબાને યુવકની વાત પર વિશ્વાસ આવી ગયો હતો અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી આપી દીધી હતી.
ત્યારબાદ મનહરબા સાથે શું થયું તેનું કંઈ યાદ નથી. થોડી મિનિટ પછી મનહરબાને ભાન આવ્યું ત્યારે તેમની કાનની બુટ્ટી ગાયબ હતી. મનહરબાએ યુવકને શોધવાની કોશિષ કરી હતી પરંતુ તે મળી આવ્યો નહીં. મનહરબા ત્યાંથી સીધા ગાંધીનગર લોકીક ક્રિયામાં ગયા હતા જ્યાં તેમણે સમગ્ર હકીકત તેમના પતિને કહી હતી. બંને જ્યારે પરત ઘરે આવ્યા ત્યારે મનહરબાએ તેમના સંતાનોને પણ વિશ્વાસઘાત થયો હોવાની વાત કરી હતી. મનહરબાએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મનહરબાની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.