જિલ્લાના આશરે 102 કિ.મી.થી વધુ લંબાઈના માર્ગો મેટલપેચથી અને 94 કિ.મી. લંબાઈના માર્ગો ડામરપેચથી મરામત કરાયા
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ રોડ રસ્તાઓની મરામત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત જરૂરી દિશાનિર્દેશ કરાયા હતા. જેના ભાગરૂપે જિલ્લાના 9 જેટલા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી છે.અમદાવાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રાજ્ય ધોરી માર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગો મળી કુલ 102.50 કિ.મી. જેટલી લંબાઈ ધરાવતા માર્ગો પર મેટલપેચથી મરામત કરવામાં આવી છે અને 94.50 કિ.મી. જેટલી લંબાઈના માર્ગો પર ડામરપેચથી મરામત કરવામાં આવી છે.અમદાવાદ જિલ્લામાં વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાના સમારકામની વિગતવાર વાત કરીએ તો, બાવળા તાલુકાના 16 કિ.મી., દસક્રોઈ તાલુકાના 5 કિ.મી., દેત્રોજ તાલુકાના 11 કિ.મી., ધંધુકા તાલુકાના 4 કિ.મી., ધોલેરા તાલુકાના 12 કિ.મી., ધોળકા તાલુકાના 21 કિ.મી., માંડલ તાલુકાના 6 કિ.મી., સાણંદ તાલુકાના 16 કિ.મી., અને વિરમગામ તાલુકાના 11 કિ.મી. જેટલા માર્ગોની મરામત કરવામાં આવી છે.