ગુજરાતમાં નવરાત્રિના તહેવારો દરમિયાન અચાનક જ ભાજપના તમામ ધારાસભ્યોને મંગળવારે કમલમ ખાતે ‘સ્નેહ મિલન’ માટે બોલાવવાના સમાચારે રાજકીય ગરમાવો ઉભો કર્યો છે. પ્રદેશ કાર્યાલય દ્વારા પાઠવવામાં આવેલા મેસેજમાં બધા ધારાસભ્યોને સ્નેહ મિલનમાં હાજરી આપવા અનુરોધ કર્યો છે, જેના કારણે ધારાસભ્યોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે.
આ અચાનક મળેલા આમંત્રણથી રાજકીય વર્તુળોમાં નવા પ્રદેશ પ્રમુખની શક્યતાઓને લઈને ચર્ચા તીવ્ર બની છે.
મોટાભાગના રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ પદ માટે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો મુજબ, આ મીટીંગમાં મુખ્યત્વે સદસ્યતા અભિયાનને તેજ કરવા માટેની રણનીતિ પર ચર્ચા થશે. ખાસ કરીને દિવાળી દરમિયાન આ અભિયાનને વધુ ઝડપી બનાવવાના પ્રયાસો પર ભાર મુકવામાં આવશે.
ભાજપના તમામ ધારાસભ્યોને મંગળવારે કમલમ ખાતે બોલાવવામાં આવતાં ફરી એક વખત નવાજૂની વાતો ચર્ચાઈ રહી છે. તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવતાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સચોટ માહિતી છે કે, વર્તમાન પ્રદેશ પ્રમુખ હાલ યથાવત રહેશે.
ભાજપની આ મીટીંગમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 22 વર્ષના સફળ કાળની ઉજવણીને પ્રજા સુધી પહોંચાડવા માટે પણ આ બેઠકમાં ચર્ચા થશે. આ સિવાય ભાજપના ધારાસભ્યોને જાહેર સદસ્યતા અભિયાનમાં વધુ સક્રિય રીતે જોડાવા અને પ્રજા સાથે વધુ મજબૂત સંવાદ સ્થાપિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાવાની છે, જેમાં તમામ ધારાસભ્યોની હાજરી અનિવાર્ય ગણાવાઈ છે. ભાજપના આ નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ મીટીંગમાં પાર્ટી કોઈ મોટા નિર્ણયો લઈ શકે છે, જેમાં સંસ્થાકીય ફેરફારોનો સમાવેશ થવાનો છે.