વડોદરામાં નવરાત્રિનાં બીજા નોરતે સગીરા પર ચકચારી ગેંગરેપની ઘટનાના ગુજરાતભરમાં પડઘા પડ્યા છે. હજી આ ગેંગરેપનાં નરાધમો સુધી પહોંચવા પોલીસ મથામણમાં લાગેલી છે. એવામાં રાજયના પાટનગર ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી એકસાથે બે સગીરા ભેદી રીતે ગાયબ થઈ ગઈ હતી. ઈન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી અલગ અલગ ટીમો દ્વારા ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે ઢળતી સાંજે ગાંધીનગર પોલીસે બન્ને સગીરાને શોધી કાઢવામાં આવી છે.
નવરાત્રિમાં સગીર બાળકોને એકલા ગરબા રમવા મોકલતા
મા – બાપ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી બે સગીરા
ગુમ થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. ગાંધીનગરના
વાવોલમાં રહેતી ચૌદ વર્ષની સગીરા ધોરણ – 9માં અભ્યાસ
કરે છે જે સરગાસણનાં કલાસીસમાં ઘરેથી વાનમાં આવતી
જતી હતી. ત્યારે કલાસીસનાં સંચાલક દ્વારા પ્રસંગ પાર્ટી
પ્લોટમાં ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે
અન્વયે ગઈકાલે શનિવારે રાત્રીના આશરે પોણા આઠેક
વાગ્યે દીકરીને પાર્ટી પ્લોટના દરવાજાની બહાર ઉતારીને પિતા
નીકળી ગયા હતા. એ વખતે સગીરાએ તેના પિતાને કહેલ
કે, અમદાવાદથી તેની ફ્રેન્ડ(ઉં. 13 વર્ષ, 5 મહિના) પણ
આવવાની છે. ગરબા પુરા થાય એટલે દસેક વાગે લેવા માટે
આવજો. બાદમાં પિતા ગાડી લઈને ઘરે જતા રહ્યા હતા અને
દસેક વાગે પરત પાર્ટીપ્લોટ ખાતે જઈને દીકરીને ફોન કર્યો
હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી કરીને તેમણે
દીકરીની ફ્રેન્ડનાં પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓ પણ
તેમની દીકરીને લેવા પાર્ટી પ્લોટના ગેટ ઉપર રાહ જોઇને
ઉભા હોવાનું માલુમ પડયું હતું.
બાદમાં બંને સગીરાના પિતા સહિતના પરિવારજનોએ બન્ને દીકરીઓની પાર્ટી પ્લોટ તથા આજુબાજુમા શોધખોળ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પણ રાતથી જ બંને બહેનપણીઓની શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાય પત્તો લાગ્યો ન હતો. આ અંગે ઈન્ફોસિટી પોલીસે બંને સગીરાના અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમોને એક્ટિવ કરી આસપાસની સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી દીધી હતી. ઉપરાંત સગીરા સાથે ટયુશન આવતા જતા અન્ય વિધાર્થીઓની પણ પૂછતાંછ કરવામાં આવી હતી.
પોલીસે બન્ને સગીરાને શોધવા માટે સાત ટીમો બનાવીને અત્રેના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓની પૂછતાંછ કરવામાં આવી હતી. આસપાસના 20 થી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યાં હતા. બે સગીરા ભેદી રીતે ગુમ થયા પછી આજે ઢળતી સાંજે ગાંધીનગર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે બન્ને સગીરાનું છેલ્લું લોકેશન એસ.ટી ડેપો નજીકનું મળ્યું હતું. બંને સગીરા બસમાં બેસીને સુરત પહોંચી ગઈ હતી. જ્યાં ઉતરતા બન્નેને અહેસાસ થયેલો કે ખોટી જગ્યાએ આવી ગયા છે. એ પછી બન્ને રેલવે સ્ટેશને પહોંચી હતી. પરંતુ ટ્રેન ભરૂચ જઈ રહી હતી. જેથી બને પાછી બસમાં બેસીને અમદાવાદ ઉતરી હતી, જ્યાંથી ઇસ્કોન થઈ ગાંધીનગર તરફ આવી રહી હતી. જેઓને ટ્રેક કરીને પરત લઈ આવવામાં આવી છે. હાલમાં બન્નેની વિગતવાર પૂછપરછ ચાલુ છે.