વડોદરા સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. આ મામલે ગૃહ વિભાગ કાયદા વિભાગ પાસે સ્પેશિયલ કોર્ટની નિમણૂંક કરવા માગણી કરશે, જેથી રોજે રોજ કેસ ચલાવી શકાય. ઉપરાંત ઝડપી ચાર્જશીટ દાખલ કરવા અધિકારીઓને તાકીદની સૂચના અપાઈ છે. જેથી ગુનેગારોને ઝડપથી સજા અપાઈ શકે અને ન્યાયની પ્રક્રિયા ઝડપથી થઈ શકે.
પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજીમાં ખુલાસો કર્યો છે. પીડિતા ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ શિશુ ગરબામાં ગરબા રમવા ગઈ હતી. ગરબા મેદાનમાં કાદવ કીચડ હોવાથી પીડિતા અને તેના મિત્રએ શાંત જગ્યાએ જઈને બેસવાનું નક્કી કર્યું હતું. પીડિતા ચણિયાચોળી પહેરીને તેના મિત્ર સાથે મોપેડ પર બેસીને ભાયલી પહોંચી હતી. જ્યારે જિલ્લા પોલીસ વડાએ ઘટના બાદ પીડિતા ગરબા રમવા ગઈ ન હોવાની વાત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ પીડિતા નોર્મલ ડ્રેસમાં હોવાનું પણ કહ્યું હતું.
બીજી બાજુ, વડોદરા કોર્પોરેશન ગેંગરેપના આરોપી સામે યુપી વાળી કરશે. ગેંગરેપના બે આરોપીઓના મકાન પર પાલિકા બુલડોઝર ફેરવશે. મુન્ના અને મમતાજ ઉર્ફે આફતાબનાના ઘરે પાલિકાએ નોટિસ ચોંટાડી છે. મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારી છે. પાલિકાએ મકાનો કેમ તોડી ન પાડવા, તે માટે 3 દિવસનો સમય આપ્યો છે.
નોંધનીય છે કે, હજી વડોદરા ગેંગરેપના આરોપીઓને સજા નથી મળી ત્યાં સુરતમાં પણ આવી ઘટના બની છે. સુરતના માંગરોળના બોરસરા ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાતના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા અને યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે બાદ સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. આ અંગેની જાણ થતાં જ સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.