કચ્છના અંજારમાં મેઘપરથી શિક્ષણ જગતને કલંક લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. અંજારના મેઘપરમાં આવેલી આત્મીય વિદ્યાપીઠનો લંપટ પરણિત શિક્ષક નિખિલ સેવકાણી પોતાના ઘરે ટ્યુશનમાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થિનીને ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે.જે દિવસે વિદ્યાર્થિનીને ભગાડી ગયો તે દિવસે તેના ઘરે બાળકીનો જન્મ થયો
અંજાર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મેઘપરની આત્મીય વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિખિલ સેવકાણી નામના વ્યક્તિના ઘરે ટ્યુશન જતી 17 વર્ષીય મુસ્લિમ યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ શિક્ષક પરીણિત છે અને જે દિવસે તે વિદ્યાર્થિનીને ભગાડી ગયો તે દિવસે તેના ઘરે બાળકીનો જન્મ થયો હતો અને નવજાત બાળકીને આઇસીયુમાં ભરતી કરાવવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, નિખિલ ઘરેથી કેટલાંક રૂપિયા અને ઘરેણાં લઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં સ્પષ્ટ થયું હતું કે, ક્લાસિસથી તે છાત્રાને લઈને એક્ટિવા પર ભચાઉ ગયો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને સગીરાને લઈ ભાગી ગયો છે. તેનો મોબાઈલ બંધ છે.
આ અંગે સગીરાના પરિવારજનોએ 5 દિવસ પહેલા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે 5 દિવસ બાદ શિક્ષક કે સગીરાની કોઈ ભાળ પોલીસ મેળવી શકી નથી.
બનાવની વિગત આપતા મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે અંજાર પોલીસે 2જી ઓક્ટોબરે બનેલા બનાવમાં પોલીસે ફરીયાદ લઈ લીધી હતી પરંતુ તપાસ ધીમી ગતિએ ચાલુ છે. તેમણે આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે જો હિન્દુ સમાજની દીકરી હોત તો પોલીસે તેને શોધવામાં જમીન આસમાન એક કરી નાખ્યું હોત અને લવ-જેહાદના નામે રેલીઓ પણ કાઢી હોય. પરંતુ મુસ્લિમ સમાજની દીકરી છે એટલે પોલીસ પણ ધીમી ગતિએ તપાસ કરી રહી છે.