અમદાવાદમાં શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના વિકૃત પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ સાસરિયાઓએ નોકરી છોડાવી દીધી હતી. જ્યારે વિકૃત પતિ સેક્સ પાવર વધારવાની દવાઓ આપીને સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરતો હતો. આટલું જ નહીં, પત્નીના બીભત્સ ફોટો, વીડિયો વિદેશના નંબર પર મોકલીને નાણાં કમાતો હતો. અવારનવાર બીભત્સ માંગણીઓથી કંટાળીને યુવતીએ પોલીસની મદદ લેતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘાટલોડિયામાં રહેતી 25 વર્ષીય યુવતી વર્ષ 2015માં ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં આરોપી પતિ સાથે મુલાકાત થઈ હતી. જે બાદ તે બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ હતી. બાદમાં બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ એકબીજાના ઘરે વાત કરી હતી. ત્યારે આરોપી પતિના પિતાએ 60 લાખ દહેજની માંગણી કરી હતી. વર્ષ 2022માં એસ.જી. હાઇવે પરની એક હોટલમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ, નણંદો સહિતના લોકો દહેજ માંગીને મહિલાને ત્રાસ આપતા હતા. લગ્ન બાદ ફરિયાદીની 45 હજાર પગાર વાળી નોકરી પણ છોડાવી દીધી હતી. પતિને નોકરી બાબતે કહેતા તેણે “તું નોકરી કરીને દહેજ ચૂકવી નહીં શકે એટલે નોકરી કરવાનો કોઈ મતલબ નથી” કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં પતિએ “તારા ફોટા અને વીડિયો ઇન્ટરનેટ ઉપર વેચી દહેજના પૈસા ઉઘરાવીશ” તેવી ધમકી આપી હતી.
ફરિયાદીનો પતિ વિકૃતાઈ બતાવીને સંબંધ બાંધતી વખતે માર મારતો હતો અને સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરતો હતો. આરોપી પતિ અવારનવાર સેક્સ પાવર વધારવા માટે દવાઓ આપીને સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરાવીને ફરિયાદીના બીભત્સ ફોટો અને વીડિયો ઉતારતો હતો.
ફરિયાદીને ગર્ભ રહેતા પતિએ દવાઓ આપીને ગર્ભપાત કરાવ્યો હતો. ફરિયાદીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી પતિ અન્ય યુવતીઓને ફોલો કરીને મેસેજ કરીને પૈસા આપીને બીભત્સ હરકતો કરાવતો હતો. આટલું જ નહીં, અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા સહિતની બાબતો પર દબાણ કરતો હતો. ફરિયાદીએ એક દિવસ પતિનું વોટ્સએપ અને ટેલિગ્રામ જોતાં તેના બીભત્સ ફોટો, વીડિયો વિદેશના કોઈ નંબર પર મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી તે બાબતે પૂછતાં તેણે “નાણાંની જરૂર હોવાથી ફોટો, વીડિયો વેચ્યા” હોવાનું કહેતા ફરિયાદીએ પરિવારજનોને જાણ કરી હતી. આખરે વિકૃત પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ ફરિયાદ આપતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.