ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં નવરાત્રિના ગરબા દરમિયાન નજીવી બાબતે કલોલની ગેંન્ગે જાહેરમાં આતંક મચાવી બે સગા ભાઈઓ પર છરી વડે જીવલેણ હૂમલો કર્યો હતો. તેમાં એક ભાઇનું મોત થતાં સમગ્ર વિસ્તારનાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. હત્યાનો બનાવ બનતા અડાલજ પોલીસે ૭ શખ્સોની ગેંન્ગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જો કે ત્રણ હુમલાખોર શખ્સોને ઝડપી લેવાયા છે.
અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારના શેરથા ગામના કસ્તુરીનગરમાં રહેતો વાસુ જગદીશભાઈ પરમાર મંગળવારે રાત્રે બાઈક લઈને કસ્તુરીનગર ટાઉનશીપમાં ગરબા જોવા જઈ રહ્યો હતો. ત્યારે વાસુ કસ્તુરીનગરની અંદર બમ્પની બાજુમાં નાનકડી જગ્યામાંથી બાઈકની કટ મારીને નિકળ્યો હતો. જેથી એક શખ્સે વાસુને અપશબ્દો બોલી કહ્યુ હતું કે મને જોઈને આ રીતે કેમ કટ મારી, કોઇને પુછી લેજે કલોલ મોચીના ડેલા વાળો હસમુખ શંકર ધાવડ કોણ છે? જો કે વાસુએ બમ્પ કુદવો પડે નહીં એ માટે કટ માર્યો હોવાનો ખુલાસો કરતા હસમુખ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને વાસુને લાફો જીંકી દીધો હતો. ત્યારે બંને વચ્ચે હુંસાતુસી થતા ગરબામાં ગ્રાઉન્ડમા હાજર સિક્યુરીટી સ્ટાફે મામલો શાંત પાડયો હતો.
દરમિયાન વાસુ ગરબા ગ્રાઉન્ડમાં મિત્રો સાથે બેઠો હતો. ત્યારે કલોલ મોચીના ડેલા વાળો પ્રભાત મહેન્દ્ર સોલંકી લાસુ પાસે જઈને કહેવા લાગેલો કે, હસમુખભાઇ સાથે માથાકુટ કેમ કરી તુ એમને ઓળખ તો નથી એ કોણ છે? જેથી વાસુએ આ બાબતે કઈ નહીં કરવાની વાત કરી હતી. બાદમાં વાસુને મિત્રો સાથે અમદાવાદ જવાનું હોવાથી તેણે તેના નાના ભાઈ દેવ્યાંગ (ઉં. 20) ને ગાડી આપી જવા બોલાવ્યો હતો. તે વખતે આશરે એકાદ વાગે કસ્તુરીનગરથી વાસુ તેના મિત્ર ચિન્ટુ સહિતના અન્ય મિત્રો સાથે એક્ટિવા પર બહાર નિકળ્યો હતો. ત્યારે હસમુખે પાછળથી શર્ટ ખેંચતા વાસુ નીચે ઉતર્યો ત્યારે હસમુખ સાથે પ્રભાત સોલંકી, વિવેક સોલંકી, રાહુલ સોલંકી, આયુષ સોલંકી, હરેશ પરમાર અને સમીર સોલંકી સહિતના શખ્સો વાસુને માર મારવા લાગ્યા હતા. એ વખતે હસમુખભાઇ ધાવડ એવુ બોલ્યો હતો કે આજે આને પુરો કરી દઈએ એટલે આખુ કસ્તુરીનગર આપણને ઓળખતુ થઈ જશે.
હુમલા વખતે પ્રતિકાર કરતાં સમીર સોલંકીએ છરી કાઢીને વાસુને માથામાં જીંકી હતી. એટલામાં ત્યાં પહોંચેલો દેવ્યાંગ વાસુને બચાવવા વચ્ચે પડતા તેની ઉપર પણ બધાએ હુમલો કરતાની સાથે રાહુલ સોલંકીએ દેવ્યાંગ ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. તેમાં દેવ્યાંગને ગરદનનાં ભાગે છરી વાગતા પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈને બધા ત્યાંથી નાસી ગયા હતા.
બાદમાં વાસુનાં કહેવાથી અન્ય મિત્રો દેવ્યાંગને લોહી નીતરતી હાલતમાં કલોલ સીએચસી લઈ ગયા હતા. જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે દેવ્યાંગને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં કરાયેલી યુવાનની હત્યાના પગલે કસ્તુરી નગરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે અડાલજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ શખ્સોને રાઉંડ અપ કરી લઇ તપાસ હાથ ધરી છે.