અમદાવાદમાં સીજીએટી વિભાગમાં ફરજ બજાવતા મોહંમદ રિઝવાન શેખ અને કુલદિપ મુલચંદ કુસવાહ રૂપિયા 1,25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.આ બે અધિકારીઓની સાથે એક ખાનગી માણસની પણ એસીબીએ ધરપકડ કરી છે.અમદાવાદના સીજી રોડ ખાતે અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.ઓડીટની વિઝીટમાં દંડ કર્યો હતો અને તેની પતાવટને લઈ લાંચ માંગવામાં આવી હતી.
આ કામના ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદી પેઢી ચલાવે છે જે પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી-૧ નાએ નોટીસ આપેલ જે અન્વયે આરોપી-૨ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી આરોપી-૧ તથા આરોપી-૨ ને તેઓની કચેરીએ રૂબરૂ મળેલ અને ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા 35,00,000 ચલણ સાથે ભરવાના થાય છે તેમ જણાવ્યું હતુ.
ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી નં-૧ અને ૨ નાઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૧ ના કહેવાથી આરોપી નં-૩ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી નં-૧, ૨ નાઓએ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતો.
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.