હરિયાણાના રોહતક જિલ્લાના એક પૂર્વ ધારાસભ્ય હાલમાં ખૂબ ચર્ચામાં છે. મહમ સીટથી આ વખતે ચૂંટણી હારનારા બલરાજ કુંડૂએ દીકરીઓ માટે મફત બસ સેવા બંધ કરી દીધી છે. હરિયાણા જનસેવક પાર્ટીના સુપ્રીમોનું કહેવું છે કે, હવે નવા ધારાસભ્ય બસ ચલાવે. ચૂંટણી હાર્યા બાદ તેમનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કુંડૂએ હાર બાદ પોતાના સમર્થકોની મીટિંગ બોલાવી હતી.જેમાં વિસ્તારમાં હાર બાદ મંથન કરવામાં આવ્યું છે.
સમર્થકોએ કહ્યું કે, કુંડૂએ પોતાના વિસ્તારમાં ફ્રી બસ સેવા ચાલું કરી હતી. ત્યાર બાદ પણ લોકોએ વોટ આપ્યા નહીં. સમર્થકોએ એક સૂરમાં કહ્યું કે, હવે સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીમાં દીકરીઓને ફ્રી લઈ જતી બસો બંધ કરી દેવામાં આવશે. સમાજસેવાનું કુંડૂને ખરાબ પરિણામ મળ્યું. જે બાદ તમામ 18 બસો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
બલરાજ કુંડૂના મહમ વિસ્તારથી રોહતક શહેરની કોલેજો અને વિશ્વવિદ્યાલય માટે આ બસો ચલાવામાં આવી રહી હતી. દીકરીઓને સવારથી બસ લઈ જતી હતી. સાંજે દીકરીઓને પાછી મુકી જતી હતી. કુંડૂએ કહ્યું કે, હાર બાદ તેમનું મન દુખી છે. તેમણે સમાજસેવાને રાજકારણ માટે પસંદ નથી કર્યું. કાર્યકર્તાઓએ કહ્યું કે, હવે નવા ધારાસભ્ય જ દીકરીઓને બસમાં બેસાડીને લઈ જશે.
આપને જણાવી દઈએ કે, આ બસ 2017-18માં શરુ કરી હતી. શરુઆતમાં 8 બસ શરુ કરી હતી, બાદમાં તેની સંખ્યા 18 કરી દીધી. આ મહમ વિસ્તારના 42 ગામડાને કવર કરતી હતી. આ વખતે મહમ સીટથી કોંગ્રેસના બલરામ દાંગી જીત્યા છે.