મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શુક્રવારે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ પૂર્વ કાઉન્સિલરની હત્યાનો આરોપ તેની પત્ની અને બે પુત્રો પર લગાવ્યો છે.જે બાદ પોલીસે તેની પત્ની અને નાના પુત્રને કસ્ટડીમાં લીધા હતા. મોટો પુત્ર હજુ ફરાર છે.
આ ઘટના શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. 60 વર્ષીય હાજી કલિમ ખાન ઉર્ફે ગુડ્ડુને સવારે 5 વાગ્યે નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વઝીર પાર્ક કોલોનીમાં તેમના ઘરે માથામાં ચારથી વધુ ગોળી મારી દેવામાં આવી હતી. ઘટના પહેલા ઘરના તમામ CCTV કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસે તેની પત્ની નીલોફર અને નાના પુત્ર આસિફને કસ્ટડીમાં લીધા છે, જ્યારે મોટો પુત્ર દાનિશ ફરાર છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે પરિવારની જમીન વિવાદને કારણે હત્યા થઈ છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા ખાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે ગુડ્ડુએ તેની પત્ની અને પુત્રોને છેલ્લા 12 વર્ષથી મિલકતમાંથી કાઢી મૂક્યા હતા. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના CM મોહન યાદવ ગઈકાલે ઉજ્જૈનમાં હતા અને તે દરમિયાન આ ગોળીબારની ઘટના બની હતી.
આ પહેલા 4 ઓક્ટોબરે હુમલાખોરોએ ગુડ્ડુ કાલિમ પર મોર્નિંગ વોક દરમિયાન પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. જે બાદ તેણે 7 મી ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં તેણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. નીલગંગા પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.