ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં ₹43,450 કરોડનું રોકાણ, 2024માં પુન:પ્રાપ્ય ઊર્જામાં 6,500 મેગાવોટનો વધારો

Spread the love

વિકાસ સપ્તાહ: નવીનીકરણીય ઊર્જાના ઉપયોગ દ્વારા ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવામાં ગુજરાત અગ્રેસર

ચારણકા સોલાર પાર્ક અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટથી આવશે ક્રાંતિ , સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે

ગાંધીનગર

નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના પરિવર્તનકારી કાર્યકાળથી લઈને વડાપ્રધાન તરીકેના દૂરંદેશી નેતૃત્વ સુધી, ગુજરાત અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને આજે એક અગ્રેસર રાજ્ય તરીકેની ઓળખ બનાવી છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે થયેલી કામગીરી ખરેખર નોંધનીય છે. આજે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે. રાજ્યએ વીજ ઉત્પાદનની કુલ 52,424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે, જેમાં 50%થી વધુ એટલે કે 25,472 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. ગુજરાત આ સીમાચિહ્ન સુધી પહોંચનારું પ્રથમ રાજ્ય બન્યું છે, જે ભારતમાં સ્વચ્છ, ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવામાં રાજ્યના અસરકારક નેતૃત્વને પ્રદર્શિત કરે છે.

ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઊર્જા: 2024માં 6,512 મેગાવોટનો વધારો

માર્ચ 2023ના આંકડા પર નજર નાખીએ તો, ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા 45,912 મેગાવોટ હતી, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ફાળો 19,435 મેગાવોટ હતો. 2024 સુધીમાં આ ક્ષમતામાં 6,512 મેગાવોટનો વધારો થયો છે, જેમાં 6,036 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. આ નોંધપાત્ર વધારો સ્વચ્છ ઊર્જા માટે ગુજરાતની અડગ પ્રતિબદ્ધતા અને ભારતના વ્યાપક સસ્ટેનેબિલિટી મિશનમાં તેના નેતૃત્વને દર્શાવે છે.જોકે, આ નોંધપાત્ર પરિવર્તન રાતોરાત નથી આવ્યું. ગુજરાતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સૌર, પવન, અને હાઈબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ગુજરાત એ રાજ્ય છે જેણે સતત ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે, નીતિને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે તેમજ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની ભાગીદારી સુનિશ્ચિત કરીને અન્ય રાજ્યો માટે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

મજબૂત નેતૃત્વ અને વિઝન દ્વારા ગુજરાતમાં હરિયાળી ક્રાંતિને મળ્યું પ્રોત્સાહન

ગુજરાતમાં ઊર્જા ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે. તેમના માર્ગદર્શન હેઠળ, રાજ્યએ પુનઃપ્રાપ્ય ઊર્જાને કેન્દ્રમાં રાખીને પોતાની વ્યૂહરચના તૈયાર કરી છે. રાજ્યના નાગરિકોની વીજ માંગ પૂરી કરવાની સાથે આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ થાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે સક્રિય નીતિઓ ઘડીને વ્યાપકપણે જાહેર પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન આપ્યું છે, સાથે નવીનીકરણીય ઊર્જાની પહેલોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેના દરવાજા પણ ખોલ્યા છે.

રિન્યુએબલ એનર્જી સમિટ 2024: ગ્રીન એનર્જી માટેનું એક વૈશ્વિક મંચ

રિન્યુએબલ એનર્જી સમિટ 2024માં સમગ્ર વિશ્વ નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતના મજબૂત નેતૃત્વનું સાક્ષી બન્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ સમિટ ઐતિહાસિક કાર્યક્રમ હતો જેમાં ઊર્જા ક્ષેત્રના વૈશ્વિક આગેવાનો, મંત્રીઓ, મેન્યુફેક્ચરર્સ, નાણાકીય સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓએ નવીનીકરણીય ઊર્જાના ઉકેલો શોધવા અને આ ક્ષેત્રે રોકાણ વધારવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી.

રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં ₹43,450 કરોડનું રોકાણ

નવીનીકરણીય ઊર્જા માટે પ્રતિબદ્ધતા દર્શાવીને ગુજરાત ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા માગે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની લાંબા ગાળાની ક્ષમતાનો વિચાર કરીને રાજ્યએ પહેલાંથી જ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં ₹43,450 કરોડનું રોકાણ કર્યું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનમાં રોકાણ કરવામાં આવેલા ₹28,864 કરોડ કરતાં વધુ છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2028 સુધી લંબાવવામાં આવી છે, જે વૃદ્ધિને વધારે વેગ આપશે તેવી અપેક્ષા છે. આ પોલિસી નવીન રિન્યુએબલ એનર્જી ઉકેલોનું સમર્થન કરે છે, જેમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન, ફ્લોટિંગ સોલાર ફાર્મ્સ અને કેનાલ-ટોપ સોલાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકિનારો અને પુષ્કળ સૂર્યપ્રકાશ જેવા ભૌગોલિક ફાયદા હોવાના કારણે તે પુનઃપ્રાપ્ય ઊર્જાની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જાની જરૂરિયાત અને ફાયદાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં 7,130 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાત સૌર, પવન અને હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા પર્યાવરણીય ફૂટપ્રિન્ટ ઘટાડીને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વધારો થાય એની ખાતરી કરશે.

મોઢેરા સોલાર વિલેજ: નવીનીકરણીય ઊર્જાની સફળતાનું પ્રતિક

ગુજરાતે રિન્યુએબલ એનર્જીમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે મોઢેરા સોલાર વિલેજ, જે ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર-સંચાલિત ગામ છે. મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ગામને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ દ્વારા વીજળી મળે છે, જે 15 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી જોડાયેલ છે. તે પાવર આઉટેજ દરમ્યાન પણ 24 કલાક વીજળીની સુવિધા સુનિશ્ચિત કરે છે.સમગ્ર મોઢેરામાં 1,300થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે આ ગામ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. ગુજરાતે આ પ્રોજેક્ટ દ્વારા એ દર્શાવ્યું છે કે કેવી રીતે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. નોંધનીય વાત એ છે કે, રહેવાસીઓના વીજ ખર્ચમાં 60% સુધીનો ઘટાડો થયો છે અને ઘણાં લોકો હવે વધારાની ઊર્જા પાછી ગ્રીડમાં વેચીને વધારાની આવક મેળવી રહ્યા છે.

ચારણકા સોલાર પાર્ક અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટથી આવશે ક્રાંતિ

આજે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બન્યું છે તેનું કારણ એ છે કે રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ ગામડાંઓ પૂરતાં સીમિત નથી. ગુજરાતે 500 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સોલાર પાર્ક્સ પૈકીના એક- ચારણકા સોલાર પાર્કનું નિર્માણ કર્યું છે. આજે આ સોલાર પાર્ક 749 મેગાવોટ વીજળી પેદા કરે છે અને તેમાં ઘણાં નાના-મોટા સોલાર પ્લાન્ટ્સ આવેલા છે. આ પાર્કે ગુજરાતના ગ્રીડમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે રોજગારીનું સર્જન કર્યું છે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપ્યો છે.

ગુજરાત પીપાવાવ નજીક ભારતનો પ્રથમ ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવાની યોજના ધરાવે છે, જેની ક્ષમતા અંદાજિત 2 GW હશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો તો કરશે જ, સાથે લાખો ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરશે, જે ભારતની સ્વચ્છ ઊર્જા ક્રાંતિમાં ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરશે.

પર્યાવરણ અને અર્થતંત્ર બન્ને પર સકારાત્મક અસર

ગુજરાતની પુન:પ્રાપ્ય ઊર્જાની પહેલોનો મુખ્ય ફાયદો એ છે કે, પર્યાવરણ પર તેની સકારાત્મક અસર થાય છે. માત્ર મોઢેરા સોલાર વિલેજ દ્વારા જ વાર્ષિક લગભગ 6,000 ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનનો ઘટાડો થાય છે. તો ચારણકા સોલાર પાર્ક વાર્ષિક 80 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. આ પ્રોજેક્ટ્સ જળવાયુ સંકટને દૂર કરવા ઉપરાંત, સમગ્ર રાજ્યમાં હવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે

ગુજરાત વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે

ભારતની રિન્યુએબલ એનર્જી ક્રાંતિમાં અગ્રેસર બનેલું ગુજરાત સ્વચ્છ ઊર્જા અપનાવવા બાબતે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. મોઢેરા સોલાર વિલેજ, ચારણકા સોલાર પાર્ક અને આગામી ઓફશોર વિન્ડ ફાર્મ્સ જેવી નવીનતમ પરિયોજનાઓ દ્વારા ગુજરાત એ દર્શાવી રહ્યું છે કે, કેવી રીતે દૂરંદેશી નીતિઓ અને વ્યૂહાત્મક રોકાણો ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.રિન્યુએબલ એનર્જી માટે ગુજરાતની પ્રતિબદ્ધતા વીજ ઉત્પાદન કરતાં પણ વિશેષ છે. ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પ સાથે આપણું રાજ્ય એવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે જે પર્યાવરણ પ્રત્યે જવાબદાર, આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે સમાવેશી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com