ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા મહોત્સવના પાર્કિંગ સ્થળ LIC ગ્રાઉન્ડ, સેકટર 11 ખાતે અસત્ય પર સત્યના વિજયના દિવસ વિજયાદશમીએ આતશબાજી સાથે રાવણદહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડ્રોન સાથે આકાશમાં ઉડી રહેલા પ્રતિકાત્મક હનુમાન બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
પાટનગરમાં 2024 બાદ ગત વર્ષથી સહાય ફાઉન્ડેશન દ્વાર ભવ્ય આતશબાજી સાથે રાવણદહનનું આયોજન કરવાની શરૂઆત કરાઈ છે, જેને જનતાનો પ્રંચડ પ્રતિસાદ સાંપડયો છે. રાવણદહનને લઈને નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને આતશબાજી અને રાવણદહન નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
મોટા ભાગના પરિવારો બાળકોને સાથે લઈને રામકથા મેદાન પંહોંચ્યા હતાં. બાળકોના ચહેરા પર આનંદ ઉલ્લાસનો ભાવ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. રાવણ દહનની શરૂઆત સાથે જ રામકથા મેદાન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલે રાવણદહનમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, પૂર્વ મેયર હિતેશ મકવાણા, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલ સહિત સહાય પરિવાર, કોર્પોરેટરશ્રીઓ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.