મધ્ય ગુજરાત વીજ કંપનીના લગભગ ૮૫૦૦૦ જેટલા ગ્રાહકોનું ૨૩૦ કરોડ રુપિયાનું વીજ બિલ ભરવાનુ બાકી છે અને આગામી દિવસોમાં વીજ કંપની વીજ બિલની વસૂલાત કરવા માટે ઝૂંબેશ હાથ ધરશે.
મધ્ય ગુજરાત વીજ કંપની પાંચ વહિવટી સર્કલમાં વહેંચવામાં આવી છે.જેમાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, નડિયાદ અને ગોધરા સર્કલનો સમાવેશ થાય છે.આ પાંચે સર્કલમાંથી વીજ બિલ નહીં ભરનારા સૌથી વધારે ગ્રાહકો ગોધરા સર્કલના છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરમાં ૧૪૦૦૦ જેટલા ગ્રાહકોના ૧૮ કરોડ રુપિયાનું વીજ બિલ બાકી છે.વડોદરા ગ્રામ્યમાં ૧૮૦૦૦ ગ્રાહકોએ લગભગ ૪૮ કરોડ રુપિયા વીજ બિલ પેટે ભર્યા નથી.આણંદ સર્કલના પણ ૧૮૦૦૦ જેટલા ગ્રાહકોના વીજ બિલની ૩૫ કરોડની રકમ ચોપડા પર બાકી બોલી રહી છે.જ્યારે ગોધરા સર્કલના ૨૨૩૩૫ ગ્રાહકોના વીજ બિલ પેટેના ૮૨ કરોડ રુપિયા હજી સુધી ભરાયા નથી.
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આ એવા ગ્રાહકો છે જેમનું ૫૦૦૦ રુપિયા કે તેથી વધારે રકમનુ વીજ બિલ બાકી છે.બિલ આપ્યા બાદ નક્કી કરેલી સમય મર્યાદામાં પૈસા નહીં ભરનારા ગ્રાહકોને ૧૦ દિવસનો ગ્રેસ પિરિયડ અને એ પછી ૧૫ દિવસનો નોટિસ પિરિયડ આપવામાં આવે છે.એ પછી પણ જો ગ્રાહકો પૈસા ના ભરે તો વીજ કંપની કાર્યવાહી કરતી હોય છે.આગામી દિવસોમાં વીજ કંપની દ્વારા બિલની રકમ વસૂલવા માટે ડ્રાઈવ શરુ કરવામાં આવશે.ગ્રાહકો જો પૈસા નહીં ભરે તો તેમના જોડાણ કાપી નાંખવામાં આવશે.ગત સપ્તાહે વીજ કંપનીએ વીજ બિલ બાકી હોવાના કારણે સમા વિસ્તારની મામલતદાર કચેરીનું જોડાણ કાપી નાંખ્યું હતું અને આ જ પ્રકારની કાર્યવાહી બીજા સરકારી વિભાગો સામે પણ થઈ શકે છે.