બનાસકાંઠામાં આવેલી વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.
આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરએ જંગી જીત મેળવી હતી. જોકે, ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. વાવ વિધાનસભાની બેઠક માટે 13 નવેમ્બરે પેટાચૂંટણીમાં મતદાન થશે. નોંધનીય છે કે, વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘અમે ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. આ પહેલા પણ વાવની જનતાએ હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. દરેક વર્ણના લોકોએ બધી જ ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યાં છે. વાવ વિધાનસભા બેઠકના તમામ મતદારો, કાયમી અમરા કોંગ્રેસના કાર્યકરો જનતા વચ્ચે રહીને સુખ દુ:ખમાં ભાગીદાર બન્યા છે. આ પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ જેને પણ ટિકિટ આપશે તેની સાથે અમે કોંગ્રેસની ટીમ બનીને કામ કરશું, કોંગ્રેસના પંજાને જીતાડશું. આ બેઠક કોંગ્રેસનો ગઢ હતો જેને અમે સાચવી રાખવાનો પ્રયત્ન કરીશું અને વાવની જનતા અમને આશીર્વાદ આપશે.’
હવે પ્રશ્ન એ થાય છે કે, આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ જીતતું આવ્યું છે. વાવના લોકોએ દર વખતે કોંગ્રેસના ઉમેદવારોને જીત આપાવી છે. એટલું જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ અહીંના લોકોએ ગેનીબેનને જીત અપાવી છે. છતાં પણ આ બેઠક પર હવે કોંગ્રેસની જીત થશે કે કેમ તે એક સવાલ છે. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ‘વાવ કોંગ્રેસનો ગઢ હતો. અને તેને સાચવી રાખવા પ્રયત્ન કરીશું’ શું ગેનીબેન ઠાકોરને વિશ્વાસ નથી કે અહીં કોંગ્રેસની જીત થશે? જો વાત કોંગ્રેસનો ગઢ રહ્યો હોય તો સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ છે પરંતુ ગેનીબેને કહ્યું છે કે, ‘અમે સાચવી રાખવા પ્રયત્ન કરીશું’. આવા તો અનેક સમીકરણો બની રહ્યાં છે. પરંતુ આખરે કેવો જંગ જામે છે તે તો સમય આવે જ ખબર પડશે.
સાંસદ બનતા આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેથી આ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો ગઢ રહ્યો છે. જો કે, હવે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી રહીં છે. પ્રશ્ન એ પણ છે કે, શું હવે કોંગ્રેસ આ બેઠક પરથી જીત મેળવી શકે? જો કે, સમીકરણ એવા સામે આવી રહ્યાં છે કે, આ બેઠક પરથી કોંગ્રેસ પૂર્ણ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા પરંતુ તેમની સામે શંકર ચોંધરીને આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.